- આણંદ શહેરને પાણી પુરવઠો પહોંચાડતી પાઇપલાઇનમાં થયું ભંગાણ
- દાંડી માર્ગ પર બ્રિજની કામગીરીમાં ડ્રિલિંગ દરમિયાન બની હતી ઘટના
- શહેરની મુખ્ય પાઇપમાં ભંગાણ થતા શહેરના ઘણા વિસ્તારો થયા પ્રભાવિત
- નગરપાલિક દ્વારા પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું
આણંદ : શહેરમાંથી પસાર થતાં દાંડી હેરિટેજ માર્ગનું પર બોરસદ ચોકડી પાસે આવેલા રેલવે ફાટક પર નિર્માણ પામી રહેલા બ્રિજના કાર્ય દરમિયાન આણંદ શહેરની મુખ્ય પાણીની પુરવઠો પહોંચાડતી પાઇપલાઇનમાં ભંગાણ થવાની ઘટના બની હતી. જે બાદ આણંદ શહેરના ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠો પહોંચાડવાની કામગીરી ઠપ થઈ ગઇ હતી.
24 કલાક બાદ પણ નગરપાલિકા દ્વારા સમારકામ પૂર્ણ ન કરવામાં આવતા શહેરના ઘણા વિસ્તારો પ્રભાવિત
સોમવારે બનેલી ઘટના બાદ આણંદ નગરપાલિકા દ્વારા નુકસાન પામેલી પાઇપલાઇનમાં સમારકામની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. ડ્રેનેજ એન્ડ વોટરવર્ક્સના કર્મચારીઓ દ્વારા પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણને રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઘટનાના 24 કલાક બાદ પણ નગરપાલિકા દ્વારા રિપેરિંગ કામ પૂર્ણ ન કરવામાં આવતા શહેરના ઘણા વિસ્તારો પ્રભાવિત થયા હતા. જેમાં પાણી પુરવઠો લાંબા સમય સુધી ઠપ રહ્યો હતો.
કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી પાણી પુરવઠો પુનઃ શરૂ થશે : ચીફ ઓફિસર
આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલનો ટેલિફોનથી સંપર્ક કરવામા આવતા તેમના દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી પાણી પુરવઠો પુનઃ શરૂ થાય તે દિશામાં આગળ કામગીરી કરવામાં આવી રહી છે. આગામી સમય સમારકામ પૂર્ણ થયા બાદ વહેલી તકે નગરજનોને પાણી પુરવઠો ઉપલબ્ધ થાય તે પ્રમાણેની કામગીરી કરવામાં આવતી હોવાની જાણકારી ચીફ ઓફિસરે આપી હતી.