- ખંભાતમાં જોખમી ડીપી ખસેડવા લોકોની માગણી
- લાલદરવાજા સાવરકર શોપિંગ સેન્ટરને અડીને ડીપી છે
- રજૂઆતો થતાં કોઇ ધ્યાન અપાતું નથી
- આગનો બનાવ બન્યે જાગશે તંત્ર?
ખંભાતઃ ખંભાત લાલ દરવાજા સર્કલ પાસે આવેલ વીર સાવરકર શોપિંગ સેન્ટરને અડીને એમ.જી.વી.સી.એલ દ્વારા ગોઠવવામાં આવતાં શોપિંગ સેન્ટરના સંચાલકો તથા અન્ય જાગૃત નાગરિકો દ્વારા આ અંગે એમજીવીસીએલમાં રજૂઆતો કરી તાત્કાલિક ધોરણે ડીપી ખસેડવા લેખિતમાં જાણ કરાઈ છે.
- 13 દુકાનોને આગનો ભય
જાણ કર્યાને ત્રણ માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ એમ.જી.વી.સી.એલના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં ન લેવાતા જાગૃત નાગરિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ અંગે આરટીઆઇ એક્ટિવિસ્ટ નવીનભાઈ દેવીપૂજકના જણાવ્યા મુજબ શહેરના લાલ દરવાજા સર્કલ પાસેના મુખ્ય માર્ગ ઉપર વીર સાવરકર શોપિંગ સેન્ટર નગરપાલિકા દ્વારા 1994માં નિર્માણ પામ્યું હતું. જે તે સમયે આ શોપિંગ સેન્ટર પાસે કોઈ પાવર ડીપી ન હતું જ્યારે અત્યારે નિયમ વિરુદ્ધ શોપિંગ સેન્ટરના દાદરને અડીને અને એક નંબરની દુકાનના માત્ર ત્રણ ફૂટના અંતરે પાવર ડીપી ગોઠવી એમજીવીસીએલે મોટું જોખમ ઊભું કર્યું છે. આ શોપિંગ સેન્ટરમાં નીચેના ભાગે 13 દુકાનો આવેલી છે.
- વિદ્યાર્થીઓના જીવને પણ જોખમ
જ્યારે ઉપરના ભાગમાં કોમ્પ્યુટર ક્લાસ ચાલી રહ્યાં છે. કોમ્પ્યુટર ક્લાસમાં દિવસ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ આ દાદર મારફતે અવરજવર કરી રહ્યા છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અનેકવાર આ ડીપીમાં શોર્ટસર્કિટના બનાવો પણ બનવા પામ્યાં છે. આ ડીપી ભારે જોખમી હોઇ આ અંગે અવારનવાર એમજીવીસીએલમાં રજૂઆતો કરી તાત્કાલિક ધોરણે ડીપી ખસેડવા જણાવ્યું છે. અમોએ લેખિતમાં અરજીઓ પણ આપી છે છતાં પણ એમ.જી.વી.સી.એલ દ્વારા કોઇ પગલા લેવાયાં નથી.
- સુરત જેવી શોટ સર્કિટથી આગ લાગવાની ઘટનાની તંત્ર દ્વારા રાહ જોવાય છે કે શું?
થોડા મહિનાઓ પહેલાં સુરત શહેરમાં ટ્યુશન કલાસીસમાં આગ લાગવાને કારણે અનેક વિદ્યાર્થીઓના જીવ ગયાં હતાં. ખંભાતમાં પણ વીર સાવરકર શોપિંગ સેન્ટરને અડીને જોખમી ડીપી આવેલ હોઇ આ ડીપીમાં વારંવાર શોટ સર્કિટની ઘટનાઓ સર્જાઇ છે. છતાં પણ એમજીવીસીએલના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી. જાડી ચામડીના આ અધિકારીઓ સુરત જેવી ઘટના ખંભાતમાં બને તેની રાહ જોઈ રહ્યાં છે કે શું જેવા અનેક આક્ષેપો જાગૃત નાગરિકો દ્વારા આક્રોશપૂર્વક કર્યા છે.