આણંદ: કોવિડ મહામારી સામે નિયંત્રણ મેળવવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ 14 વિષયો સમાવિષ્ટ તબીબી નિષ્ણાંતોની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર કાર્યરત અંતર્ગત આણંદ જિલ્લામાં જિલ્લા પંચાયત ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (Command and Control Center Anand) શરૂ કરવામાં આવ્યું હતું. આણંદ ખાતે કાર્યરત કરવામાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની જાણકારી આપવા માટે જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ (Press conference of Anand District Collector) યોજાઇ હતી.
60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધોનું ઘરે બેઠા વેક્સિનેશન
કલેક્ટર દક્ષિણીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 અંતર્ગત જિલ્લાના નાગરિકોને ઘરે બેઠાં તેનું માર્ગદર્શન મળી રહેવાની સાથે કોરોના શંકાસ્પદ દર્દીઓની ઘરે બેઠા તપાસ, ત્વરિત નિદાન તથા સઘન સારવાર ઉપલબ્દ્ધ બનાવવામાં આવશે. આ ઉપરાંત હોમ આઇસોલેશનમાં રહેલા કોવિડ-19 પોઝિટિવ દર્દીની સારવાર, માર્ગદર્શન અને ફોલોઅપ, હોમ આઇસોલેશન દરમિયાન દર્દીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ઉભી થાય તો તે માટેની માહિતી સહ જાણકારી, 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને એકાંકી જીવન વ્યતિત કરતાં હોય તેવા વૃધ્ધોનું ઘેર બેઠાં કોવિડ-19 વેક્સિનેશન સહિત જિલ્લાની તમામ હોસ્પિટલમાં ઉપલબ્દ્ધ કોવિડ-19ના બેડ, ઓકિ્સજન, વેન્ટીલેટર વોર્ડ સહિતની જાણકારી આપવામાં આવશે.
હોમ આઇસોલેશનના દર્દીઓનું ઘરે બેઠા જ કાઉન્સેલીંગ કરાશે
વધુમાં ઇ-સંજીવની ટેલીમેડિસીન સેવા અંતર્ગત હોમ આઇસોલેશન અને અન્ય દર્દીઓને ઘરે બેઠા જ નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા કાઉન્સેલીંગ અને વાતચીત કરવામાં આવશે અને આ વાતચીતના આધારે દર્દીઓનું કાઉન્સેલીંગ કરી તબીબો દ્વારા ઇ- પ્રીસ્ક્રીપશનથી દવાઓ પણ લખી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
637 ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ
કલેક્ટર દક્ષિણીએ જણાવ્યું હતું કે, હાલમાં જિલ્લામાં આરોગ્યની 637 ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ટીમમાં ફીમેલ-મેલ હેલ્થ વર્કર, આશાવર્કર સહિતની ટીમ દ્વારા સર્વેની કામગીરી દરમિયાન તેમની સાથે પ્રશ્નોત્તરી જેવી કે, કુટુંબમાં કોઇને તાવ, શરદી, ઉઘરસ કે શ્વાસ લેવામાં તકલીફો જેવાં કોઇ લક્ષણો છે કે કેમ ? તેમજ તેઓને રસીના કેટલા ડોઝ લીધા છે કે તેની તપાસ કરી જરૂરી ફોર્મ ભરાવવામાં આવે છે. આ સમય દરમિયાન જો કોઇ લક્ષણો જણાઇ આવે તો તેમને હોમ આઇસોલેશનમાં કે તબીબી તપાસની જરૂર હોય તો તેઓને તબીબી તપાસ કરવાની સલાહ અને સારવાર આપવામાં આવે છે.
કલેક્ટરે નાગરિકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરી
કલેક્ટરે જિલ્લાના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જયારે કોવિડ-19ને લગતું ઘરે બેઠાં માર્ગદર્શન આપવાની સેવાઓ જ્યારે કાર્યરત કરવામાં આવી છે. જિલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના ફોન નંબર 02692-260675 અથવા તો મોબાઇલ નંબર 7567870019 કે 7574842946 ઉપર સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવવાની અપીલ કરી હતી. કોવિડ-19 ગાઇડલાઇનનું પાલન કરવા સહિત ઘરની બહાર નીકળો ત્યારે અવશ્ય માસ્ક પહેરીને જ નીકળવા અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા સહિત સાવચેતી રાખવાનો પણ અનુરોધ કર્યો છે.
જિલ્લા કલેક્ટરે સેન્ટર કેવી રીતે કામ કરી રહ્યું છે તેનું નિરીક્ષણ કર્યું
જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી બી.જી.પ્રજાપતિએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઇ સેન્ટર કેવી રીતે કામ કરી રહ્યું છે તેનું નિરીક્ષણ કર્યું હતું. આ સમય દરમિયાન કલેક્ટરે હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહેલા દર્દી સાથે ટેલિફોનિક સંવાદ કરી તેમની તબિયતની પૃચ્છા કરી ખબર-અંતર પૂછ્યાં હતાં. હાલમાં તેમની પરિસ્થિતિ કેવી છે તેમ પુછતાં દર્દીએ સામેથી પ્રત્યુત્તર આપ્યો હતો કે હવે ઘણું જ સારૂં છું અને મને કોઇ તકલીફ નથી.
પીએમ-જય કાર્ડ માટે આવેલા માજીની પણ ખબર પૂછી
કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે પીએમ-જય અને મા અમૃતમ કાર્ડની પણ કામગીરી ચાલતી હોવાથી પીએમ-જય કાર્ડ માટે આવેલા વયોવૃધ્ધ માજીની પણ જિલ્લા કલેક્ટરે ખબર-અંતર પૂછી તેમને કોઇ મુશ્કેલી નથી પડીને તેમ પૂછતાં માજીએ કોઇ તકલીફ ન હોવાનું કહ્યું હતું. આ કાર્યક્રમ માં જિલ્લા વિકાસ અધિકારી બી.જી.પ્રજાપતિ, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હેમા પટેલ અને શિક્ષણ સમિતિના ચેરમેન પીન્કી પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.ટી.છારી ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: માંગરોળના લંબોરા ગામે ખાણ ખનિજ વિભાગે દરોડા પાડ્યા
આ પણ વાંચો: Republic Day 2022 : રાજ્યના તમામ પ્રધાનો અલગ અલગ જિલ્લામાં કરશે ધ્વજવંદન, જૂઓ લિસ્ટ