- કોરોના મહામારીની સકારાત્મક અસર ફૂલોની ખેતી પર જોવા મળી
- ફૂલોની ખેતી કરતા ખેડૂતો માટે ચાલુ વર્ષ ફાયદાકારક બન્યું
- ગત વર્ષે મળેલા ભાવ કરતાં વર્તમાન સમયમાં બમણો ભાવ મળતા ખેડૂતોમાં આનંદ
આણંદ: છેલ્લા આઠ મહિનાથી દેશમાં ચાલી રહેલ કોરોના મહામારી વચ્ચે જ્યારે વિશ્વનું સૌથી મોટું લોકડાઉન ભારત દેશમાં જાહેર કરવામાં આવ્યું હતું, જેની સીધી અસર બજારોમાં આર્થિક મંદી સ્વરૂપે જોવા મળી હતી, ત્યારે દિવાળીની ઉજવણીને લઇ દેશમાં તમામ વર્ગ એક મૂંઝવણની પરિસ્થિતિમાં મુકાયો હતો, દિવાળીના તહેવારમાં સુશોભન અને શણગારની માટે વિવિધ પ્રકારના ફૂલોની માંગમાં વધારો જોવા મળતો હોય છે. ત્યારે આ ફુલની ખેતી કરતા ખેડૂતો પણ તહેવારની સિઝન પહેલા મૂંઝવણની લાગણી અનુભવી રહ્યા હતા, આ વર્ષે બજારમાં કેવો ભાવ રહેશે અને ઉજવણીમાં ફૂલોનો ઉપાડ કયા પ્રકારનો રહેશે તે તમામ અટકળો વચ્ચે ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ફુલોની ખેતી અંતે ખેડૂતો માટે લાભદાયી સાબિત થઇ હતી.
ચરોતર પંથકમાં ખેડૂતોની મૂંઝવણમાં વધારો થયો હતો
ચરોતર પંથકમાં મુખ્યત્વે હજારી અને ગલગોટાની ખેતી મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા કરવામાં આવતી હોય છે, દેશમાં ચાલતા કોરોના પ્રકોપ વચ્ચે સર્જાયેલા ગંભીર સંજોગોમાં સરકાર દ્વારા ઉત્સવ પર લાવવામાં આવેલ પ્રતિબંધ બાદ ખેડૂતોના મૂંઝવણમાં વધારો થયો હતો, પરંતુ તહેવારોની સિઝનમાં ફૂલોની અછત સર્જાતા ખેડૂતોને સામાન્ય વર્ષો કરતા આ વર્ષે ફૂલના સારા ભાવ મળ્યા છે, જેને લઇ ખેડૂતોમાં તહેવારની સીઝનમાં ફૂલોની માંગ વધવી આશીર્વાદરૂપ બની છે.
ગલગોટાની ખેતી કરી તહેવારોની સિઝનમાં સારી આવક મેળવી
આણંદ જિલ્લાના મોગર ગામ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ફુલોની ખેતી સાથે સંકળાયેલ ખેડૂત જીતુભાઈ તળપદા અને હિતેન્દ્રસિંહ મહીડાએ પોતાના અઢી વીઘા જેટલા ખેતરમાં હાઇબ્રીડ લેમન ગલગોટાની ખેતી કરી તહેવારોની સિઝનમાં સારી આવક મેળવી છે. આ અંગે ETV BHARAT સાથે થયેલ ખાસ વાતચીતમાં ખેડૂતે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉન અને ત્યારબાદ ધાર્મિક સ્થળો અને જાહેર ઉત્સવ પર સરકાર દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધ બાદ ખેડૂતોએ ફૂલોની ખેતી ખૂબ ઓછા પ્રમાણમાં કરી હતી. બીજી તરફ આસપાસના રાજ્યોથી આવતા ફૂલની પણ આયાત ખૂબ ઘટવા પામી હતી, જેના કારણે ગુજરાત રાજ્યમાં ફૂલ બજારોમાં આ વિશેષ ફૂલોની માંગમાં તેજી આવી હતી અને પાછલા વર્ષોની સરખામણીમાં આ વર્ષે ખૂબ ઊંચા ભાવ મળ્યા હતા.
બજારમાં આ પ્રકારના વિશેષ ફૂલોની માગ ખૂબ વધી હતી
દેશમાં ઉજવાતા ઉત્સવો અને વર્તમાન દિવાળીને કારણે બજારમાં આ પ્રકારના વિશેષ ફૂલોની માંગ ખૂબ વધી હતી, બીજી તરફ સરકારી નિયમો અને ઉત્સવ ઉજવણીની સરકાર દ્વારા જાહેર કરાયેલ ગાઇડ લાઇનને લઈ ખેડૂતો દ્વારા ફુલોની ખેતીને મહત્વ આપવામાં આવ્યું, સાથે જ અન્ય રાજ્યોમાં થયેલ કમોસમી વરસાદની પણ અસર ફૂલોની ખેતી પર જોવા મળી હતી, જેના પરિણામ સ્વરૂપ ચરોતર પંથકના ખેડૂતો માટે ફૂલોની ખેતી આશીર્વાદ સમાન સાબિત થઈ છે. જેને લઇ આ વિસ્તારના ખેડૂતો માટે ફૂલોની ખેતી પર કોરોનાની હકારાત્મક અસર જોવા મળી.