- આંકલાવ તાલુકાના ચમારા ગામમાં લગ્નના વરઘોડાનો વીડિયો વાઇરલ
- ચમારાના સરપંચ અને ભાજપના અગ્રણી રાજુ પઢીયારના ભત્રીજાના હતા લગ્ન
- લગ્નમાં DJના તાલ સાથે તલવારો લઈ યુવાનો ઝૂમતા નજરે પડ્યા
- પોલીસે સરપંચ અને DJ ઓપરેટર સહિત 9 લોકો સામે કરી ફરીયાદ
આણંદઃ જિલ્લાના આંકલાવ તાલુકાના ચમારા ગામના સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયતના પતિએ પોતાના ભત્રીજાના લગ્નમાં ટોળા ભેગા કરી DJના તાલે ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો વાઇરલ થયો હતો અને પોલીસ સુધી પહોંચતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરપંચ સહિત 9ની સંડોવણી ખુલતા ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં જ પકડાયેલા શખ્સો ભાજપના કાર્યકરો હોવાનું જાણવા મળ્યું હતું.
આ વીડિયો ચમારા ગામનો હોવાનું જાણવા મળ્યું
આંકલાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હરદીપભાઈ મોઘાભાઈ પાસે એક લગ્નનો વીડિયો આવ્યો હતો. જેમાં કેટલીક વ્યક્તિઓ DJના તાલે ડાન્સ કરતાં હતાં અને કોવિડ નિયમોનો ભંગ જોવા મળ્યા હતા. લોકોએ માસ્ક મણ પહેર્યું ન હતુ. આથી આ વીડિયોની ચમારા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું અને અરવિંદભાઈ પઢીયારના ઘરે તેમના દિકરા સુરેશભાઈના લગ્ન 8મી મે, 21ના રોજ રાત્રિના ચમારા બોરિયા સીમ વિસ્તારમાં લગ્નમાં ડાન્સ કરતો વિડીયો હોવાનું બહાર આવ્યું હતું.
વીડિયોમાં નજરે પડતા લોકોની ઓળખ થઇ
પોલીસ ચમારા ગામે પહોંચી હતી અને ગામના સરપંચ રાજુભાઈ ઉર્ફે બળવંતસિંહ પઢીયારને વીડિયો બતાવી પૂછપરછ કરતાં તેમણે કૌટુંબીક ભાઈઓએ ભત્રીજાના લગ્નમાં કુળદેવીનું વ્રત કરવા જતાં તે વખતનો વીડિયો હોવાનું કબુલ્યું હતુ. જ્યારે વિડીયોમાં દેખાતા વ્યક્તિઓમાં કુલદીપસિંહ બળવંતસિંહ પઢીયાર, ધર્મેન્દ્રસિંહ રમતુભાઈ પઢીયાર, પ્રદીપસિંહ બળવંતસિંહ પઢીયાર, કિરણભાઈ પ્રતાપભાઈ પઢીયાર, પ્રહલાદસિંહ મનુભાઈ પઢીયાર, અર્જુનસિંહ મનુભાઈ પઢીયાર (તમામ રહે. ચમારા) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ લગ્નના આયોજન કરવા માટે કોઇ પણ સત્તા અધિકારીની મંજૂરી પણ લીધી નહતી. આથી પોલીસે રાજુભાઈ ઉર્ફે બળવંતભાઈ પઢીયાર, અરવિંદભાઈ પઢીયાર, કુલદીપસિંહ પઢીયાર, ધર્મેન્દ્રસિંહ પઢીયાર, પ્રદીપસિંહ પઢીયાર, કિરણભાઈ પઢીયાર, પ્રહલાદસિંહ પઢીયાર, અર્જુનસિંહ પઢીયાર તથા DJ સાઉન્ડના ઓપરેટર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બલવંતભાઈ ચમારા ગામના સરપંચ હોવા ઉપરાંત તેમના પત્ની ગત ટર્મમાં તાલુકા પંચાયતના સભ્ય પણ હતાં. જે ભાજપમાંથી ચૂંટાયાં હતાં. ગુનો નોંધાયો તેમાં મોટા ભાગના ભાજપના કાર્યકર્તાઓ છે.
આ પણ વાંચોઃ જામ ખંભાળિયામાં ઉદ્યોગપતિના પુત્રના લગ્નમાં ભીડ એકઠી થવા મામલે નોંધાઈ ફરિયાદ
આંકલાવ પોલીસ સ્ટેશનમાં મંજૂરી વગર લગ્ન પ્રસંગમાં ટોળા ભેગા કરવાના સાત જેટલા જુદાં જુદાં ગુના નોંધાયાં
- અંબાવ ગામે રહેતા અરવીંદભાઇ બુધાભાઇ પઢિયાર સહિત બે વ્યક્તિ.
- આસરમા ગામના મગનભાઇ મહીજીભાઇ સોલંકી સહિત ત્રણ વ્યક્તિ.
- હઠીપુરા અજારા સીમમાં રહેતા દેવેન્દ્રભાઇ અમરસિંહ મકવાણા સહિત ત્રણ વ્યક્તિ.
- ભેટાસીના બોરીયા વગોમાં રહેતા ભરતભાઇ અમરસિંહ પરમાર સહિત બે વ્યક્તિ.
- ભેટાસીના વાઘેલા ફળીયામાં રહેતા જશવંતસિંહ ગણપતસિંહ વાઘેલા સહિત બે વ્યક્તિ.
- સાલમપુરાના અંબાલી ગામના હિમતસિંહ ચીમનભાઇ રાઠોડ સહિત બે વ્યક્તિ.
- ચમારા ગામના રાજુભાઇ ઉર્ફે બલવંતભાઇ ભારતભાઇ પઢીયાર સહિત 9 વ્યક્તિ.
DySP આર. એલ. સોલંકીએ આ બનાવ મુદ્દે શુ કહ્યું ?
આ સંદર્ભે પેટલાદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક આર. એલ. સોલંકીએ જણાવ્યું હતું કે, ચામરા ગામમાં બનેલી ઘટનામાં હાલમાં ચાલી રહેલા કોરોના મહામારીના સમયે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા ભંગનો ગુનો આંકલાવ પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યો છે અને તેના પર અત્યારે તપાસ ચાલુ છે. વર્તમાન પરિસ્થિતિમાં લોકોએ જાગૃત બનવાની જરૂર છે, જ્યારે કોરોના મહામારીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ આવશ્યક બની રહે છે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિમાં લોકોએ પણ ભાગીદાર ન બનવું જોઈએ. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમાટે સરકારી નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવે છે અને આંકલાવ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના જાહેરનામાં ભંગમાં 7 જેટલા ગુના પોલીસે દાખલ કર્યા છે. -આર. એલ. સોલંકી, DySP, પેટલાદ
આ પણ વાંચોઃ ખેડામાં લગ્ન પ્રસંગે જાહેરનામાનો ભંગ કરતા પોલીસે 10 સામે ગુનો નોંધ્યો
ભાજપના જિલ્લા પ્રમુખ વિપુલ પટેલે આ બનાવ મુદ્દે શુ કહ્યું ?
ચમારા ગામમાં લગ્ન પ્રસંગે ભીડ ભેગી કરવામાં આવેલી ભીડ એ વર્તમાન સમયની સ્થિતિએ બિલકુલ અયોગ્ય છે, વાઇરલ થયેલી વીડિયો કલીપના અનુસંધાને પોલીસ દ્વારા પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, સમગ્ર ઘટનામાં બહાર આવતું રાજકીય આગેવાનની વાત તે બિલકુલ પાયાવિહોણી છે. રાજુભાઇ પઢીયાર ભારતીય જનતા પાર્ટીના કોઈ પદ કે હોદ્દો ધરાવતા નથી. તે માત્ર સ્થાનિક સરપંચ છે અને તેમના દ્વારા કોઈ પ્રકારનું આ આયોજન કરવામાં આવ્યું ન હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી રહી છે. - વિપુલ પટેલ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ