આણંદ: જિલ્લામાં સતત કોરોના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સંક્રમણ વચ્ચે સામાન્ય માણસો સાથે રાજકીય આગેવાનો અને ડૉક્ટર પણ આ સંક્રમણથી બચી શક્યા નથી. થોડા સમય અગાઉ કોંગ્રેસના દિગજ્જ નેતા ભરતસિંહ સોલંકી કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. જે હજુ પણ સારવાર હેઠળ છે. તેમજ થોડા સમય અગાઉ આણંદના પ્રખ્યાત ડૉકટર અજય કોઠીયાલા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતાં.
![ETV bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12:15:55:1595227555_gj-and-petlad-mla-nirajan-patel-noted-covid-positive-dry-7205242_19072020235529_1907f_1595183129_674.jpg)
હવે સોમવારે પેટલાદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની મેન્ડેટ સાથે જીતેલા કૉંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિરંજન પટેલને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના અંતિમ દિવસે આણંદ જિલ્લામાં કોરોનાના કુલ 98 કેસ સામે આવી ચૂક્યા હતા અને ત્યાર બાદ અનલોક-1 અને 2માં આ અંકમાં ચિંતા જનક વધારો નોંધાઇ રહ્યો છે. જેમાં અનલોક-1ના પ્રથમ દિવસે આણંદ જિલ્લામાં માત્ર 3 જ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં હતાં, પરંતુ અનલોક જાહેર થયા બાદ લોકલ ટ્રાન્સમિશન કહો કે, સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટનો દૂરપયોગ જેના કારણે દિન-પ્રતિદિન કોરોનાના અંકમાં સતત વધારો નોંધાયો છે. જેથી જિલ્લામાં કોરોનાનો આંક 374એ પહોંચ્યો છે.