આણંદઃ જિલ્લામાં અનલોક 1માં જનજીવન સામાન્ય બની રહ્યું છે. બજારોમાં લોકોની ચહેલપહેલ વધવા લાગી છે. મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળતા જોવા મળ્યાં હતાં, જેથી રસ્તાઓ પુનઃ વેગવાન બન્યા છે.
લોકડાઉનમાં ઢીલ મળતાં જનજીવન સામાન્ય બન્યું આણંદ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને સરકારી ગાઈડલાઈન મુજબ જિલ્લામાં છૂટછાટ આપવામાં આવી હતી. જેથી આણંદ જિલ્લો આજથી ફરી ધબકતો થયો છે. શિક્ષણ નગરી વિદ્યાનગર અને જિલ્લામાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ માટે તથા ધાર્મિક સ્થળો માટે પણ આગામી દિવસોમાં યોગ્ય સૂચનો આપવામાં આવશે. જેની સ્પષ્ટતા જાહેરનામાં કરવામાં આવી છે. આમ આણંદ જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે હવે જનજીવન સામાન્ય બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.જોકે કોરોનાનું સંક્રમણ તો વધતું જ જાય છે. આણંદ જિલ્લામાં કોરોનાના 98 કેસ નોંધાયા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના બે કેસ પોઝિટિવ સામે આવતા તંત્ર દ્વારા હવે ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતતા લાવવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં હાલ 2346 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 98 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી 87 દર્દીઓ સ્વસ્થ થતા સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. આ સાથે જ કોરોનાને લીધે 10 લોકોના મોત થયા છે. જ્યારે હજી 3 દર્દીઓ સારવાર હેઠળ છે.