- આણંદ જિલ્લાના મોગર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જરૂર
- 11000ની વસ્તી ધરાવતા ગામના લોકોની તંત્ર પાસે અપેક્ષા
- અત્યાર સુધી 200 જેટલા લોકો સંક્રમિત સામે આવી ચુક્યા
આણંદ: વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે શહેરો સાથે સાથે હવે ગામડાઓ પણ કોરોનાના સંક્રમણનો ભોગ બનતા નજરે પડી રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ ફેલાતો કોરોના વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે. આણંદ જિલ્લામાં સામે આવતા દર્દીઓમાંથી 40 ટકા જેટલા દર્દીઓ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોય છે. ત્યારે, ગ્રામ્યસ્તરે સુવિધાઓના અભાવે નાગરિકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. જેમાં, હોસ્પિટલ, ઓક્સિજન બેડ, એમ્બ્યુલન્સ, આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધાઓના અભાવ જોવા મળે છે.
આ પણ વાંચો: કોરોનાની કપરી પરિસ્થિતિ છતાં જૂનાગઢનું ઝાલણસર ગામ તબીબી સહાયથી વંચિત
મોગર ગામમાં તંત્રની બેદરકારી સામે આવી
આણંદ શહેરથી વાસદ તરફ 10 કિલોમીટર જેટલા અંતરે આવેલા અને અંદાજિત 11000 જેટલી વસતી ધરાવતું મોગર ગામ જ્યાં લોકો દ્વારા તંત્ર પાસે આરોગ્ય કેન્દ્ર શરૂ કારવામાં આવે તેવી આસ લગાવવામાં આવી છે. મોગર ગામમાં મુખ્યત્વે નોકરિયાત અને ખેડૂત વર્ગ વસવાટ કરે છે. સ્થાનિક રાજકારણમાં પ્રભુત્વ ધરાવતું આ ગામ મહામારીના સમયમાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે.
રસીકરણ માટેનું કેન્દ્ર ઘણા સમયથી બંધ
મોગરના સરપંચ રાજુ ઝાલાના જણાવ્યા પ્રમાણે ગામમાં શરૂઆતમાં જ રસીકરણ માટેનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. જ્યાં ઘણા સમયથી આ કાર્ય બંધ પડ્યું છે. અંદાજિત ગામમાં 200 જેટલા લોકો સમયાંતરે કોરોના સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે. જેમાંથી 7 જેટલા લોકો કોરોનાની સારવાર દરમિયાન અવસાન પામ્યા છે. આ ઉપરાંત, દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર હોવા છતાં જરૂરિયાત મુજબની દવાઓ ઉપલબ્ધ થઈ રહેતી નથી. આથી, સ્થાનિકો દ્વારા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.
ગામલોકોને 3 કિલોમીટર દૂર દવા લેવા ધક્કા ખાવા પડે
રાજુભાઈએ ઉમેર્યું હતું કે, ગામથી 3 કિલોમીટર દૂર વડોદ ગામે આવેલા આરોગ્ય કેન્દ્ર પર ગ્રામજનોને કોરોના ટેસ્ટ કરાવવા જવું પડે છે. જ્યાં ઘણી વાર ટેસ્ટીંગ કીટનો પર્યાપ્ત જથ્થો ન હોવાથી ગ્રામ લોકોને ધક્કા ખાવા પડે છે. ત્યારે, બીજી તરફ કોરોનાની સારવાર મેળવવા માટે ગામમાં કોઈ ચોક્કસ સુવિધાઓ ન હોવાના કારણે આણંદ અથવા વાસદ દર્દીઓને ખસેડવા પડે છે. જેથી, દર્દીના પરિવારને ઘણી સમસ્યાઓ વેઠવી પડે છે. ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં ઘણી બિમારીઓ માટેની દવાઓ મોજૂદ ન હોવાથી ગામલોકોને 3 કિલોમીટર દૂર આવેલા વડોદ આરોગ્ય કેન્દ્ર ખાતે દવા માટે ધક્કા ખાવા પડે છે.
આ પણ વાંચો: જામનગરમાં કોરોના વચ્ચે પણ નાઘેડી ગામે આરોગ્ય કેન્દ્રમાં અલીગઢી તાળુ
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ માટે પણ જાગૃતતાનો અભાવ
આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ માટે પણ જાગૃતતા લાવવી આવશ્યક બને છે. ગ્રામ્ય કક્ષાએ લોકો કોરોનાની ગંભીરતા સમજતાં નથી. લોકો કામ સિવાય ફરતા નજરે પડતા હોય છે. જેના કારણે સંક્રમણ વધવાનો ખતરો વધી જાય છે. પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા તેની સ્કેનિંગ પણ કરવામાં આવે છે. પરંતુ, આ બીમારીના લક્ષણો દેખાતા હોવા છતાં લોકો કોરોના ટેસ્ટ કરાવતા નથી અને પરિણામે ખૂબ ગંભીર મહામારીમાં સપડાઈ જતા હોય છે.
બીપી, ડાયાબીટીસ જેવી બીમારી ધરાવતા લોકો સામે જોખમ
સરપંચે ઉમેર્યું હતું કે, ગામમાં સંક્રમિત દર્દીઓ જ્યારે હોમ આઇસોલેશનમાં હોય છે ત્યારે, આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા નિયમિત તાપસ કરવામાં આવતી નથી. જ્યારે, આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવે છે ત્યારે, વિભાગ દોડતું બને છે. બીજી તરફ, દર્દીઓની મેડિકલ હિસ્ટ્રિની માહિતી મેળવ્યા વગર દવા આપવામાં આવે છે. જેથી બીપી, ડાયાબીટીસ જેવી બીમારી ધરાવતા લોકો સામે જોખમ ઉભું થાય છે. આમ તંત્ર અને ગામડાઓ વચ્ચે સંકલનનો અભાવ હોવાથી ઘણી હાલાકી ઉભી થાય છે. આમ ગામડાઓમાં ટેસ્ટિંગ અને રસીકરણ માટે જાગૃત બનવા સાથે સંકલનની સુવિધા ઉપલબ્ધ થાય તે આવશ્યક બને છે.