આણંદઃ વૈશ્વિક મહામારી સમાન કોરના વાઈરસથી બચવા સાવચેતીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા 21 દિવસ માટે સમગ્ર ભારત lockdown જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.
તંત્રએ કરેલી વ્યવસ્થાના ભાગરૂપે આણંદ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી વેપારીઓને બપોરનાં 2 કલાક સુધીનો સમય આપવામાં આવ્યો છે. જેથી વ્યવસ્થા જાળવવામાં તંત્રને સરળતા રહે. જેના ભાગરૂપે વેપારીઓ દ્વારા પણ બે કલાકે દુકાનો બંધ કરીને તંત્રને સહયોગ આપવામાં આવી રહ્યો છે.
આણંદના બજારો 2 કલાક બાદ સંપૂર્ણ ખાલી દેખાયા હતા. માર્ગ પર સન્નાટો છવાઈ ગયો હતો. આણંદની આ પરિસ્થિતિ જોતા કહી શકાય કે, આણંદના નાગરિકો આ બીમારીને ગંભીરતાથી લઈ સાવચેત રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આણંદવાસીઓ કામ સિવાય ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. લોકો સરકારની અપીલને ગંભીરતાથી લઇ lockdownને સમર્થન આપી રહ્યા છે.