આણંદની મહિલા NCC કમાન્ડર અને મિંયાણીની ભરવાડ મહિલાની હત્યાના ભેદભરમ ઉકેલાઈ જવા પામ્યા છે. એક કિંજલ નામની મહિલાની પણ હત્યા થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ થયો હતો.
1 ડિસેમ્બરે વીરસદ-દાદપુરા રોડ ઉપરથી આણંદની 32 વર્ષીય મહિલા કોમલબેન મિહીરભાઈ ગોસ્વામીની ગળે ટુંપો આપીને હત્યા કરેલી મૃતદેહ મળી આવી હતી. બીજા દિવસે ખંભાત તાલુકાના રંગપુર ગામની સાંઠવાળી કેનાલ પાસેની કાંસડી પાસેથી બાવળા તાલુકાના મિંયાણી ગામે રહેતા 55 વર્ષના હિરૂબેન ભરવાડ મહિલાને ગળે ટુંપો આપીને તેમજ બોથડ પદાર્થના ફટકા મારીને હત્યા કરાયેલી હાલત મૃતદેહ મળ્યો હતો. ઉપરાછાપરી બે મહિલાની હત્યા કરાયેલી મૃતદેહો મળી આવતાં જ રેન્જ આઈજપી એ.કે. જાડેજા અને ડીએસપી મકરંદ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન વીરસદ, ખંભાત શહેર, DYSPની ટીમ તેમજ CPIની ટીમો બનાવીને આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
કોમલબેન ગોસ્વામીના મોબાઈલ ફોનનું લોકેશન છેલ્લે જલુંઘ ગામની સીમમાંથી મળ્યું હતુ. જેને આધારે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરતાં વીરસદના PSI એન. ઘાસુરાને આ લૂંટ વીથ હત્યામાં જલુંધના જ અગાઉ ચોરી તેમજ લૂંટફાટમાં પકડાયેલો દિલીપ ઉર્ફે ડાહ્યો ગગજીભાઈ ચાવડા સંડોવાયો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની એક ટીમે જલુંધ ગામે છાપો મારીને દિલીપ ઉર્ફે ડાહ્યાને દબોચી લીધો હતો. તેની પૂછપરછમાં મુળ ભરૂચ જિલ્લાના કંથારીયા ગામનો સલીમ ઈસ્માઈલભાઈ બારીવાલા, વિજયભાઈ ઉર્ફે ચકો જશભાઈ ચાવડા અને સાવનકુમાર ધનજીભાઈ પટેલ નામો ખુલતાં જ પોલીસે સલીમ અને સાવનકુમારને પણ ઝડપી પાડ્યા હતા.
વિજયભાઈ ઉર્ફે ચકો ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ત્રણેયને અલગ-અલગ રીતે તલસ્પર્શી પૂછપરછ કરતાં તેઓએ જ લૂંટના ઈરાદે આ બે હત્યા ઉપરાંત ઉંટવાડા સીમમાં પણ દિવાળીના દિવસો દરમિયાન એક મહિલાને લૂંટીને તેની હત્યા કરી નાંખી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસ ચોંકી ઊઠી હતી અને ત્રણેયની લૂંટ વીથ મર્ડરના ગુનામાં ધરપકડ કરીને લૂંટમાં વપરાયેલી બે સીએનજી રીક્ષા, એક ટાટા એન્જોય ગાડી અને બાઈક સાથે લૂંટમાં ગયેલો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.