આણંદ: ગુજરાતના આણંદ જિલ્લાનાં ધર્મજ ગામને જોઇને મનમાં પહેલો વિચાર આવે કે આ ગામ છે કે કોઇ શહેર છે. આજે 12 જાન્યુઆરીને ધર્મજ-ડે તરીકે ઉજવવામાં આવે છે. ધર્મજ ગામ આણંદ મુખ્ય શહેરથી 32 કિલોમીટર દૂર આવેલું છે અને આ ગામની ખાસ વાત એ છે કે તે એનઆરઆઈ ગામ છે. કારણ કે અહીંયા આશરે દરેક ધરનાં વ્યક્તિઓ વિદેશમાં વસે છે.
આગવી ઓળખ: ETV ભારતની ટીમ જયારે ધર્મજ ગામમાં પહોંચી તો જોયું કે અહીંયા પશુપાલન ખુબ સારી રીતે થાય છે. પશુપાલન માટે જરૂરી એવા ઘાસચારા ઉગાડવા માટે ગામમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગામના સરપંચ ભાવનાબેન પટેલ જણાવે છે કે, 'ગામમાં વસતા પશુપાલકો માટે બારે માસ લીલો ઘાસ ચારો ઘરે બેઠા મળી રહે તે માટે પડતર જમીનમાં પચાસ વીંઘાનું ગજરાજ ઘાસ વાવેલ છે. તે નહીં નુકશાન નહીં નફાના ભાવથી પશુપાલકોને ઘરે બેઠા ઘાસ આપવામાં આવે છે. વધુમાં ગૌચર ખાતે લોકોના મનોરંજન અર્થે બનાવેલ સુરજબા પાર્કની પણ એક આગવી ઓળખ ઉભી થઇ છે.'
બેન્કિંગ સુવિધા: ધર્મજમાં બેંકિગ ક્ષેત્રનો વિકાસ પણ ઘણો જૂનો છે. વર્ષ 1959 માં 18 મી ડિસેમ્બરે દેના બેંકની ગામમાં સૌપ્રથમ શાખા શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ 1969માં સહકારી બેંક શરૂ કરવામાં આવી હતી. તેની સાથે બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડાની શાખાઓ પણ શરૂ કરવામાં આવી હતી. ગામના મહિલા સરપંચ ભાવનાબેન પટેલ જણાવે છે કે, 'હાલમાં ગામમાં 13 બેંકની શાખા ધમધમે છે. જેની પાછળનું મુખ્ય કારણ બેંક ડિપોઝીટને માનવામાં આવે છે. ધર્મજમાંથી વર્ષ 1895થી 1916ના ગાળામાં વિદેશ ગમનની શરૂઆત થઇ હતી.'
ડિપોઝીટ મૂકનારાંઓની સંખ્યા વધુ: માત્ર 17 હેક્ટરના ક્ષેત્રફળમાં વસેલાં અને 11,333 ની વસતિ ધરાવતાં ગામમાં નેશનલાઇઝ, પ્રાઇવેટ અને કો.ઓપરેટિવ સહિતની 13 બેંકની શાખાઓ ધમધમી રહી છે. આ ગામમાં લોન લેનારાંઓ કરતાં ડિપોઝીટ મૂકનારાંઓની સંખ્યા વધુ છે. ગામના મહિલા સરપંચ ભાવનાબેન પટેલ જણાવે છે કે, 'આ ગામમાં લોન લેનારાંઓ કરતાં ડિપોઝીટ મૂકનારાંઓની સંખ્યા વધુ છે. અલબત્ત ઇન્વેસ્ટર્સનું ગામ કહેવાય છે કારણ કે દુનિયાનો કોઇ દેશ એવો નહીં હોય જ્યાં ધર્મજનો વતની ન વસતો હોય. વિદેશમાં સ્થાયી થયેલાં પરિવારો દ્વારા બેંકમાં મુકવામાં આવતી ડિપોઝીટના કારણે બેંકિગ ક્ષેત્રમાં ધર્મજ બિઝનેસ સેન્ટર બની રહ્યું છે.'
ગામમાં બારે માસ: આ ગામમાં પાટીદાર, વણિક, બ્રાહ્મણ, સોની સુથાર, વાળંદ, ઠાકોર, ભોઈ, પ્રજાપતિ, દલિત તથા અન્ય સમાજનાં લોકો રહે છે. અહીંની સૌથી નોખી વાત એ છે કે વિદેશમાં વસતા લોકો વતનથી દૂર રહેવા છતાં ગામનાં વિકાસ માટે સારી મદદ કરે છે. તેના કારણે અહીં વિશ્વ કક્ષાની સુવિધાઓ આ નાના ગામમાં મળી રહે છે. ધર્મજ ગામમાં પ્રવેશતાં જ તમામ માર્ગો પાકા અને રસ્તાની બંને બાજુમાં બ્લોક બેસાડેલાં જોવા મળે છે. ગામડું હોવા છતાં ક્યાંય કચરાંના ઢગ જોવા નહીં મળે. અહીં તમને કાદવ-કિચ્ચડ તો ઠીક પાણીનું ખાબોચિયું પણ જોવા નહીં મળે. માર્ગ પર કચરો તો ઠીક માટી કે ધૂળ પણ નથી. આપણે શહેરમાં પણ આવી કલ્પના ન કરી શકીએ તેવો સ્વચ્છતાનો નજારો ધર્મજ ગામમાં બારે માસ જોવા મળે છે.
ઘણી સારી સુવિધાઓ: ગાંધીજીથી શરૂ કરી આજના તમામ પોલીટીશ્યનો પંચાયત રાજની વાત કરે છે પણ સ્વનિર્ભર પંચાયતનની વાત નથી કરતા. જયા સુધી ગામના વિકાસના સંશાધનો પંચાયત પાસે ન હોય ત્યા સુધી પંચાયત રાજનો સાચો અર્થ સરતો નથી. આજે સ્વનિર્ભર પંચાયતના મોડલનો અભ્યાસ કરવા દેશભરના લોકો આ ધર્મજ ગામની પંચાયતની મુલાકાતે આવે છે. આર્થિક વિકાસની દોડમાં દેશનાં ગામડાં હજુ પણ ક્યાંક પછાત રહી ગયાં છે. રોજગારીના અભાવે મોટાં શહેરો તરફ લોકોની દોટ વધતી જાય છે ત્યારે 11,333 ની વસતિ ધરાવતું આણંદ જિલ્લાનું ધર્મજ ગામ ભારતનું સૌથી સમૃદ્ધ ગામ બન્યું છે.
આગવી નામના: દેશને તમામ ગામડાં કરતાં અલગ તરી આવતું ધર્મજ ગામે આગવી નામના મેળવી છે. નાનકડા ગામમાંથી એક સદી અગાઉ કેટલાક પટેલો યુગાન્ડા અને બ્રિટનમાં સ્થાયી થયા હતા. આજે નાનકડા ગામના 3000 કરતાં વધુ પરિવારો દુનિયાભરના દેશોમાં સ્થાયી થયા છે. તેઓ વતન પ્રત્યેનું ઋણ અવારનવાર ચૂકવી રહ્યા હોવાથી અન્ય ગામોની સરખામણીમાં ધર્મજ પાસે ઘણી સારી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેથી એમ કહેવાય કે નાના શહેરો કરતાં પણ સારી સુવિધાઓ આ ગામ ધરાવે છે.
વિકાસની હરીફાઈ: ધર્મજ ગામે પેઢી દર પેઢી ઘણા ઉદાહરણીય કામો કર્યા છે પરંતુ આ પૂર્ણવિરામ નથી. હજુ ઘણું કરવાનું બાકી છે. આજે વિકાસની હરીફાઈ જામી છે ત્યારે ધર્મજ પણ તેમાં પાછળ ન રહે તે જોવાની ફરજ અમારા સૌની છે. વડીલોએ વારસામાં આપેલ મિલકતોને સાચવી તેનું સંવર્ધન કરી આવનારી પેઢીને સોંપીને જવાની જવાબદારી પણ નિભાવવાની છે. મારી પુસ્તક શ્રેણી “ચાલો ચરોતર-ચરોતરની ગ્રામગાથા”ના કાર્ય અર્થે ચરોતરના ગામોનો પ્રવાસ થાય છે. ત્યારે સૌના માટે નોંધનીય એક વાત ધ્યાનમાં આવી છે કે આજે ગામોમાંથી વસતી વિષયક ફેરફારો ખુબ ઝડપથી આવી રહ્યા છે. ખાસ કરીને યુવાનો અનેક કારણોસર વિદેશની વાટ પકડી રહ્યા છે. જેથી ગામો ખાલી થઇ રહ્યા છે. જે પરિબળ ભવિષ્યમાં ગામના વિકાસમાં અવરોધક બનશે તેવી ભીતિ વર્તાય છે.
આ પણ વાંચો આણંદથી ચોરાયેલાં સાઈલેન્સર પાટણમાં વેચાતા
લોકો વિદેશમાં સ્થાયી: આ ગામમાં 2770 કુટુંબ વસે છે. ગામમાં મર્સિડીઝ, ઓડી અને બીએમડબ્લ્યુ જેવી મોંઘીદાટ કાર માર્ગો પર દોડતી જોવા મળે છે. આ ગામમાં શહેરો જેવી સુવિધા ઉપલબ્ધ છે. હોટલ, કાફે, બાળકો માટે ગાર્ડન, સ્વીમીંગ પૂલ, આર.સી.સી. તથા પાકા રોડ, સ્વચ્છ ઇમારતો, સ્કૂલ, કોલેજ, આરોગ્યલક્ષી તમામ સુવિધાઓથી સજ્જ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો ધર્મજમાં છે. દર વર્ષે 12 મી જાન્યુઆરીએ ધર્મજ ડે ઉજવવામાં આવે છે. જેમાં વિદેશમાં સ્થાયી થયેલા એન.આર. આઇ. પરિવારો મોટી સંખ્યામાં આવે છે. એક અંદાજ મુજબ આ ગામના 1700 પરિવાર બ્રિટનમાં, 800 પરિવાર અમેરિકામાં, 300 પરિવાર કેનેડામાં 150 પરિવાર ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડ દેશોમાં સ્થાયી થયા છે. આફ્રિકાના દેશો તથા વિશ્વના અન્ય દેશોમાં વસતા પરિવારોની સંખ્યા અલગ છે. જેથી એમ કહી શકાય કે જેટલા ગામમાં રહે છે કદાચ તેના કરતા વધુ લોકો વિદેશમાં સ્થાયી થયેલ છે.
દાનની તકતી: ધર્મજ ગામના વતની અને રાજુ ધર્મજ તરીકે ઓળખાતા રાજેશભાઇ પટેલે ગામ વિશે એક પુસ્તક “ધર્મજ – એક ઉદાહરણીય ગામ” લખેલ છે. તેમણે “ચાલો ધર્મજ” નામની 500 ફોટોગ્રાફ્સ સાથેની ગામ વિશે કોફી ટેબલ બુક પણ તૈયાર કરી છે. એક જમાનામાં વિદેશ જવું વિકટ મનાતું હતું ત્યારે ગામમાંથી 1906 માં જોઇતારામ કાશીરામ પટેલ માંઝા અને ચતુરભાઇ પટેલ યુગાન્ડાના મબાલે ખાતે ગયા હતા. 1910 માં માન્ચેસ્ટર જનારા પ્રભુદાસ પટેલ ગામમાં માન્ચેસ્ટરવાળા તરીકે ઓળખાતા હતા. જયારે 1911 માં એડન ખાતે ગામના ગોવિંદભાઈ પટેલે તમાકુનો વેપાર શરૂ કયો હતો. ગામમાં આજે પણ રોહડેશિયા હાઉસ, ફીજી નિવાસ, મેનનગાઈ નકુરૂ હોસ્ટેલ જેવા મકાનો હયાત છે. ગામના સ્મશાનમાં જે તે સમયે આફ્રિકાથી આવેલ દાનની રકમ ત્યાંના ચલણ શીલીન્ગમાં લખાયેલ દાનની તકતી જોવા મળે છે.