- આણંદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ઉભા રાખ્યાં ઉમેદવાર
- સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને NCP કરશે પ્રજાની સેવા
- નેતા બનવા ઇચ્છુક ઉમેદવારોને NCP ટિકિટ નહીં આપે : જયંત પટેલ
આણંદ : આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી નોંધાવવા માટેના અંતિમ દિવસે આણંદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણી માટે NCPએ પણ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા.
પ્રજાની સેવા કરનારા પ્રતિનિધિઓને આપવામાં આવશે ટિકિટ
આ અંગે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા NCPના પ્રમુખ જયંત પટેલે જણાવ્યું હતું કે, NCP સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રજાલક્ષી કામ કરનારા ઉમેદવારોને ટિકિટ આપી રહી છે. જે પ્રમાણે અનેક સમસ્યાઓથી પ્રજા પરેશાન છે, ત્યારે પ્રજાના પ્રશ્નો સમજી પ્રજા સાથે રહી કામ કરે તે પ્રકારના ઉમેદવારોને NCP અત્યારે ઉમેદવારી નોંધાવવા માટે આગળ આવી રહી છે. આ સાથે તેમને જણાવ્યું હતું કે, NCP દ્વારા નેતા બનવાની ઈચ્છા રાખી રાજકારણમાં ઝંપલાવનારા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે નહીં, પરંતુ પ્રજાની સેવા કરનારા પ્રતિનિધિઓને ઇલેક્શનમાં ઉતારશે.
પ્રજા વિકાસના નામે હવે ગુમરાહ નહીં બને
આ સાથે જ રાજ્ય કક્ષાએ પણ 80 પોતાના ઉમેદવારો ઉભા રાખતા હોવાની જાણકારી જયંત પટેલ દ્વારા આપવામાં આવી હતી. તેમને જણાવ્યું હતું કે, રાજ્યમાં 480 જગ્યાએથી NCP દાવેદારી કરી રહી છે. જેમાં ભારે બહુમતી સાથે તેમના ઉમેદવારો વિજય મેળવશે અને પ્રજાની વચ્ચે રહી પ્રજા સેવક તરીકે પોતાની ફરજ નિભાવશે. આ સાથે જ સત્તાપક્ષ અને અન્ય રાજકીય પક્ષોની કામગીરી પર સવાલ ઉઠાવતા તેમને પ્રજા વિકાસના નામે હવે ગુમરાહ નહીં બને તેવી જાણકારી આપી હતી.