પેટલાદમાં 32 વર્ષીય યુવકની ઘાતકી હત્યા
પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
આણંદ: પેટલાદ તાલુકાના ખડાણાના ગામના ચૌહાણપુરામાં દિનેશ નટુભાઈ ચૌહાણ 32 વર્ષીય યુવાનની રાત્રી દરમ્યાન ઘાતકી હત્યા થવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. દિનેશ નટુભાઈ ચૌહાણ નામના યુવાનની હત્યાની જાણ પેટલાદ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ આસપાસના રહીશોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
આ યુવક દિનેશ તેની પત્ની અને માતા પિતા સાથે સીમ વિસ્તારમાં રહેતો હતો, ત્યારે આ ઘાતકી હત્યા થતાં અનેક સવાલો ઉભા થયા હતા. મધ્ય રાત્રીના સુમારે આ બનાવ બન્યો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
યુવાનના ગળાના ભાગે તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવા પાછળ ક્યાં કારણો જવાબદાર છે અને આ કૃત્ય કોણે કર્યું છે, તે તમામ અંગે પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક જાણકારી મુજબ મરનાર યુવાન દિનેશ ચૌહાણ રીક્ષા ચાલક હતો. હાલ પેટલાદ રૂરલ પોલીસ હત્યાની કડીઓ જોડવા પ્રયત્ન કરી રહી છે.