આંણદઃ સરદાર પટેલ યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક એમ.પી.પટેલ ઓડિટોરીયમ ખાતે યોજાઇ હતી.બેઠકમાં આર્ટસના ડીન ડો.નિરંજન પટેલ, ઇ.રજિસ્ટ્રાર તુષાર મજમુદાર સહિત સંસ્કૃત, હિન્દી, ગુજરાતી સહિત આર્ટસ ફેકલ્ટીના તમામ બોર્ડના મળીને 70થી વધુ સદસ્યો ઉપસ્થિત હતા. દરમ્યાન વિદ્યાર્થી સંગઠન ના દસેક કાર્યકરોએ હોલમાં ધસી જઇને યુનિ.ની કાર્યપદ્વતિ વિરુદ્વ સૂત્રોચ્ચાર પોકારવાના શરુ કરી દીધા હતા.
જો કે, કેટલાક પ્રોફેસરોએ નીચે બેસીને બૂમાબૂમ કરતા કાર્યકરોને અટકાવીને તેઓની શું માંગ છે તે વિશે જણાવવા અનુરોધ કર્યો હતો.,પરંતુ વિદ્યાર્થીઓએ હોબાળો અટકાવ્યો ન હતો.
દરમિયાન બેઠકમાં ઉપસ્થિત પ્રોફેસરો પૈકી સંસ્કૃત અને પર્યાવરણ વિષય મામલે કેટલાક પ્રોફેસરો ડાયસ પર પહોંચી જઇને ડીન અને ઇ.રજિસ્ટ્રાર સામે આક્ષેપો, પ્રતિઆક્ષેપો કરવા લાગ્યા હતા. દરમયાન અન્ય પ્રોફેસરોએ સમગ્ર મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી. પરંતુ વાતાવરણ વધુ ગરમાતા બેઠકને પૂર્ણ જાહેર કરી દેવામાં આવી હતી.
આ સમયે સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે આવી પહોંચીને ઇ.રજિસ્ટ્રાર અને આર્ટસના ડીન સામે ઉગ્ર આક્ષેપો વ્યકત કર્યા હતા. યુનિ. દ્વારા સંસ્કૃત અને પર્યાવરણના શિક્ષકો આમને સામને આવી જાય તેવી સ્થિતિ જાણીબૂઝીને ઊભી કરવામાં આવી રહ્યાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. ત્યારબાદ ડીન અને ઇ.રજિસ્ટ્રાર હોલની બહાર નીકળીને યુનિ. બિલ્ડીંગ ખાતે પહોંચી ગયા હતા. બાદમાં વિદ્યાર્થી પ્રતિનિધિ અને પ્રોફેસરો પણ સ્થળ છોડી ગયા હતા. ગંભીર બાબત એ જોવા મળી હતી કે, જોરદાર હંગામો થવા છતાંયે એકપણ સિકયુરીટી તૈનાત જોવા મળી ન હતી.