2014માં ભાજપના દિલીપ પટેલની જીત થઈ હતી. આ વખતે કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીને ફરી ટીકીટ આપી છે, જ્યારે ભાજપે પાટીદાર ઉમેદવાર મિતેશ પટેલ (બકાભાઈ)ને મેદાનમાં ઉતાર્યા છે. આણંદમાં ચરોતરના અંતરીયાળ વિસ્તારમાં પાણીની મોટી સમસ્યા એમની એમ છે. ખંભાત વિસ્તારમાં લોકોને મીઠું પાણી પૂરું પાડવામાં સરકારે ઉદાસીનતા દાખવી છે. બીજી તરફ આણંદ-ખેડાની જનતા આજે પણ સિવિલ હોસ્પિટલની સુવિધાથી વંચિત છે.
આણંદ જિલ્લામાં ક્ષત્રિય ઉમેદવારોનું પ્રભુત્વ રહ્યું છે. આ ઉપરાંત આણંદમાં પાટીદારોનું વર્ચસ્વ પણ રહ્યું છે. જ્યારે અહીંના ઉમેદવારની પસંદગી થતી હોય ત્યારે ચોક્કસ રીતે જ્ઞાતિવાદના પરિબળને ધ્યાનમાં રાખવામાં આવે છે. 2014ની મોદી લહેરમાં જીતી ગયેલા દિલીપભાઈ વિવાદિત ઈતિહાસ ધરાવે છે. જેથી આ વખતે ભાજપે નો-રિપીટ થિયેરી અપનાવી મિતેશ પટેલને મેદાનમાં ઉતાર્યાં છે.
2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ભરસતિંહ સોલંકી રાજકારણમાં જોવા મળતા નહોતા. કહેવાય છે કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ ભરતસિંહ કોંગ્રેસના હાઈ કમાન્ડથી નારાજ ચાલી રહ્યાં હતાં, પરંતુ હવે કોંગ્રેસે ફરી ભરતસિંહને ટિકિટ આપતા નારાજગીની અટકળોનો અંત આવ્યો છે. પિતા માધવસિંહ સોલંકી અને નાના ઈશ્વરસિંહ ચાવડાનો દબદબો ધરાવતા આણંદ મતવિસ્તારમાં ભરતસિંહ સામે પોતાની શાખ બચાવી રાખવાનો મોટો પડકાર છે, જ્યારે ભાજપે સ્થાનિક ઉદ્યોગપતિ મિતેષ પટેલને તક આપી યુવા નેતૃત્વને સ્થાન આપ્યું છે. આમ, તો મિતેષભાઈ ચહેરો નવો છે. જેથી આણંદ બેઠક પર કોંગ્રેસ મજબૂત જણાઈ રહી છે.