આણંદઃ જિલ્લામાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. શહેરી વિસ્તારોમાંથી હવે ગ્રામ્ય કક્ષાએ પણ કોવિડ-19નું સંક્રમણ ચિંતાજનક રીતે ફેલાઇ રહ્યું છે. ત્યારે જિલ્લાની ગ્રામ પંચાયતોએ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી છે.
![Anand news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-lockdown-in-village-special-7205242_24092020173459_2409f_02182_781.jpg)
જિલ્લામાં સૌપ્રથમ ગુજરાતનું પેરિસ ગણાતા ધર્મજ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ્ય કક્ષાએ 15 દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું. બાદમાં ક્રમશઃ સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદમાં અને મોગરીમાં ગ્રામપંચાયત દ્વારા લોકડાઉનની જાહેરાત કરવાં આવી હતી. ગતરોજ બુધવારે જિલ્લાના વાસદ ગામમાં પણ લોકડાઉનની અપીલને નોંધનીય પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે આજે ગુરુવારે સત્ કૈવલ સંપ્રદાયના વડામથક સારસા ગામે પણ લોકડાઉનની જાહેરાત કરી હતી. જેને ગ્રામજનોનું સંપૂર્ણ સમર્થન મળ્યું હતું.
![Anand news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-lockdown-in-village-special-7205242_24092020173505_2409f_02182_1055.jpg)
![Anand news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-lockdown-in-village-special-7205242_24092020173505_2409f_02182_1069.jpg)
આજે સારસા ગામમાં જાહેર થયેલા લોકડાઉનના પ્રથમ દિવસે ETV BHARAT દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે સ્થાનિકોએ ગામમાં ફેલાઈ રહેલા કોરોના પ્રકોપ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ફેલાઈ રહેલા કોરોના સંક્રમણની ઝપેટમાં સારસા ગામના નાગરિકો પણ આવ્યા હતા. જેમાં ગામમાંથી જ બે દિવસમાં 30 કરતા વધારે સિક્રેટ કેરિયરના કિસ્સા સામે આવતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ જો 10 દિવસમાં સંક્રમણ કાબૂમાં નહીં આવે તો આગામી સમયમાં આ લોકડાઉનની અવધિમાં વધારો કરવાની પણ તૈયારી ગ્રામજનોએ દાખવી હતી.
![Anand news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-lockdown-in-village-special-7205242_24092020173505_2409f_02182_377.jpg)