રાજ્યના ખેડૂતોને કૃષિ ઉત્પાદન વધારવા, નવી તાંત્રિકતા ખેડૂતો સુધી પહોંચાડવા વૈજ્ઞાનિકો દ્વારા સીધું ખેડૂતોને માર્ગદર્શન આપવા ખેતી ખર્ચ ઘટાડવા આવક વધારવા જેવા ઉદ્દેશ્ય સાથે સૌ પ્રથમ વર્ષ 2005-06માં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. અત્યાર સુધીના કૃષિ મહોત્સવના કારણે ખેતીમાં પ્રતિદિન વધારે સારા પરિણામો મેળવવા અને મેળવી શકાય તેવા માહિતીસભર માહિતી ખેડૂતો સુધી પહોંચાડે છે. હવે ખેડૂતો પોતાની સામાન્ય ખેતીથી કંઈક અલગ નવી ખેતી પદ્ધતિઓ અપનાવવાથી આગળ આવતા થયા છે, અને વિશ્વના ખેડૂતો સાથે હરીફાઈ કરી પોતાની કુનેહ અને કોઠાસૂઝ દર્શાવવા સક્ષમ બન્યા છે, અને કૃષિ વિકાસમાં ભાગીદાર થઇ પોતાનું નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે.
રાજ્યના ખેડૂતોને આવક વર્ષ 2022 સુધીમાં બમણી કરી આપવા માટે જાગૃતી લાવવા અને વર્ષ 2022 સુધીમાં દરેક ખેડૂતને તમામ તાંત્રિક માહિતી પહોંચાડવા અને આધુનિક કૃષિને મહત્વ આપવા માર્ગદર્શન આપવા, તેવીજ કૃષિ ખાતાની વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ પણ મળી રહે તે હેતુસર દાયકાથી પણ જૂની પ્રણાલીને આગળ ધપાવતા આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 'કૃષિ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે જેની આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સીટી ખાતે સોમવારે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાંથી10,000 ખેડૂતોને સીધો ફાયદો મળ્યો હતો.