- ખંભાત નગરપાલિકાનું વહીવટી તંત્ર આવશ્યક સેવાઓ આપવામાં નિષ્ફળ
- કોંગ્રેસના કાઉન્સલર્સે ચીફ ઓફિસરને આવેદન પાઠવીને આવશ્યક સેવાઓ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા કરી માગ
- સ્ટ્રીટ લાઈટનું તાત્કાલિકધોરણે સમારકામ કરાવવા વિપક્ષ દ્વારા માગ
આણંદ : ખંભાત નગરપાલિકામાં ચૂંટાયેલા વિપક્ષના કાઉન્સલરએ ખંભાત નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને ખંભાત શહેરમાં શહેરીજનોને આવશ્યક મીઠું પાણી પ્રાપ્ત થતું નથી. તેમજ ખંભાતમાં નગરપાલિકાના નળમાં ખારું પાણી આવતું હોવાથી આ પાણી પીવાલાયક પણ નથી. પાલિકા દ્વારા પાણી અપૂરતા ફોર્સથી આવતું હોવાથી શહેરીજનોને જીવન જરૂરિયાતનું પાણી પ્રાપ્ત થતું નથી. ખંભાત શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર્સ ઉભરાઈ છે, તો તેને તાત્કાલિક ધોરણે સાફ કરવા તેમજ ખંભાતમાં તૌકતે વાવાઝોડા બાદ શહેરના તમામ જાહેર માર્ગો તેમજ વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ્સ ગત દસ દિવસથી બંધ હોવાથી રાત્રિના સમયે શહેરીજનોને ભારે તકલીફ વેઠવી પડે છે. જ્યારે અમુક વિસ્તારમાં 24 કલાક સ્ટ્રીટ લાઇટ્સ ચાલુ જ રહે છે. આ સ્ટ્રીટ લાઈટનું તાત્કાલિક ધોરણે સમારકામ કરાવવા વિપક્ષ દ્વારા ખંભાત નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે આવશ્યક સેવાઓ અવિરતપણે ચાલુ કરવા માટેની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો - ખંભાતના કાંઠા ગાળા વિસ્તારમાં રહેતા લોકોને તૌકતેના પગલે સ્થળાંતરિત કરાયા
ભારે દુર્ગંધને કારણ મોઢે રૂમાલ બાંધીને નીકળી રહ્યા છે સ્થાનિક
આ અંગે વિપક્ષ કાઉન્સલર ખુશમન પટેલ તેમજ સાવજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ખંભાત શહેરની મોટાભાગની કચરાપેટીઓ કચરાથી ઉભરાઈ રહી છે. આ વિસ્તારમાંથી પસાર થતા નાગરિકો માટે આ વિસ્તારમાં ભારે દુર્ગંધને કારણ મોઢે રૂમાલ બાંધીને નીકળી રહ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે આ કચરાપેટીઓ સાફ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે નહીં, તો ખંભાત શહેરમાં રોગચાળો ફાટી નિકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
આ પણ વાંચો - તૌકતે વાવાઝોડાને પગલે આણંદ જિલ્લા ડિઝાસ્ટર તંત્ર એલર્ટ
ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી
આ અંગે કોંગ્રેસ અગ્રણી નીતિન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ખંભાત શહેરની વિવિધ કચેરીઓ તેમજ વિસ્તારોમાં સફાઈ કરવા માટે ખંભાત નગરપાલિકાના કર્મચારીઓને ફાળવવામાં આવતા નથી. જ્યારે અમુક વિસ્તાર ખંભાત નગરપાલિકાની હદ બહાર હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખંભાત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અઠવાડિયામાં એક વખત શેરીઓમાં સફાઈ કરવા આવે છે. ફક્ત જાહેર રોડ ઉપર સફાઈ કરતા કર્મચારીઓ દેખાઈ રહ્યા છે. જેને કારણે શહેરમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ અંગે કોંગ્રેસ અગ્રણી ઇપ્તેખાર યમનીએ જણાવ્યું હતું કે, અમારી માંગણીઓ શહેરીજનોના હિત માટે છે. અમારી આ માંગણીઓનું તાત્કાલિક ધોરણે સમાધાન નહીં થાય તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
આ પણ વાંચો - તૌકતે વાવાઝોડાને લઇને ખંભાતનું તંત્ર થયું એલર્ટ
અમારી પાસે સફાઈ કામદારોની ઘટ છે - ખંભાત નગરપાલિકા પ્રમુખ કામિની ગાંધી
આ અંગે નગરપાલિકા પ્રમુખ કામિનીબેન ગાંધીએ જણાવ્યું હતું કે, હાલમાં નગરપાલિકા સ્ટ્રીટ લાઈટ્સમાં વાવાઝોડાને પગલે ભારે નુકસાન થયું હતું. અત્યારે અમારી લાઈટ ખાતાની વિવિધ ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ્સ ચાલુ કરવા માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, તેમજ હાલમાં અમારી પાસે સફાઈ કામદારોની ઘટ છે. માત્ર ખંભાત નગરપાલિકામાં 30 ટકા સફાઈ કામદારો હાજર હોવાથી સફાઈ બાબતે અમારે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે મોટાભાગના સેનેટરી ડિપાર્ટમેન્ટના સફાઈ કામદારો રજા પર છે. ટૂંક સમયમાં અમો આ તમામ બાબતે યોગ્ય નિવેડો લાવી તાત્કાલિક ધોરણે વિવિધ વિસ્તારોમાં સફાઈ તેમજ ગટરના પ્રશ્નો હલ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ.