- ગુસાઈજીનું પ્રાગટ્ય 1572માં માગશર વદ નોમનાં રોજ થયું હતું
- ગુસાઈજીનો પ્રાગટ્ય મહોત્સવ જલેબી ઉત્સવ તરીકે ઉજવાય છે
- ગુસાઈજીએ ભાગવત સપ્તાહ કરેલી તમામ જગ્યાઓને ગુસાઈજીની બેઠકો કહેવાય છે
ભરૂચ : વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિમાર્ગનાં આચાર્ય ગુસાઈજીનાં પ્રાગટ્ય મહોત્સવને જલેબી ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ઐતિહાસિક નગરી ખંભાતમાં પૌરાણિક નારેશ્વર તળાવનાં કિનારે બેઠક મંદિર આવેલું છે. બેઠક મંદિર ખાતે ગુસાઈજીનાં 506માં પ્રાગટ્ય દિન(જલેબી ઉત્સવ)ને ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. કોરોના મહામારી ને લઇ સોશિયલ ડિસ્ટન્સનો ખ્યાલ રાખી સર્વ વૈષ્ણવજનોએ તિલક(રાજભોગ) દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.
શા માટે આ ઉત્સવ જલેબી ઉત્સવ તરીકે ઓળખાય છે?
આ પ્રસંગે ગુસાઈજી બેઠકના યુવા મુખ્યાજી કુશલ કુમાર ભટ્ટે જણાવ્યું હતું કે, વૈષ્ણવ સંપ્રદાયના મહાન આચાર્ય ગુસાઈજીનો પ્રાગટ્ય મહોત્સવ જલેબી ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ગુસાઈજીને જલેબી ખૂબ ભાવતી હોવાથી શ્રીનાથજી પોતે તેઓના પ્રાગટ્ય દિને યાદ કરી રસરૂપ જલેબી સિદ્ધ કરી ઉત્સવ મનાવેલો તેથી આ દિન જલેબી ઉત્સવ તરીકે ઓળખાય છે. ગુસાઈજીનું પ્રાગટ્ય 1572માં માગશર વદ નોમને શુક્રવારનાં રોજ કાશીથી થોડે દુર આવેલ ચરણાટ(ચુનાર) ગામમાં થયો હતો. તેથી આ દિવસને સર્વે વૈષ્ણવો ધામધૂમપૂર્વક ઉજવે છે. જેને લઇ આજે પૌરાણિક બેઠક મંદિર ખાતે ખંભાતમાં ધામધૂમપૂર્વક આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સર્વે વૈષ્ણવજનો એ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
ગુસાઇજીએ ભાગવત સપ્તાહ કરી તે જગ્યા ગુસાઇજી બેઠક તરીકે ઓળખાય છે
જે સ્થળોએ ગુસાઈજીએ ભાગવત સપ્તાહ કરી હતી, તે તમામ જગ્યાઓને ગુસાઈજીની બેઠકો તરીકે ઓળખાય છે, આજે કુલ 28 બેઠકો પૈકી ગુજરાતમાં કુલ 8 બેઠકો છે. જેમાં ગોધરા, અલીણા, અસારવા, ખંભાત, જામનગર, દ્વારકા, રામ લક્ષ્મણ તીર્થનો સમાવેશ થાય છે. બાકીની 16 બેઠકો વ્રજમાં અને ચાર બેઠકો ઉત્તર-પૂર્વ ભારતમાં આવેલી છે.