રિમાન્ડ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી વિગતો અનુસાર વિદ્યાનગર પોલીસે શનિવારના રોજ ઈસ્કોન એજ્યુકેશનલ કન્સલન્ટન્ટમાં છાપો મારીને બનાવટી માર્કશીટોના આધારે વિદેશ મોકલવાનું રેકેટ ઝડપી પાડ્યું હતું.
પોલીસે કેટલીક બનાવટી માર્કશીટો તેમજ શૈક્ષણિક દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા અને ધવલકુમાર પટેલ, અમરીશ પટેલ, મૌલિક ઉર્ફે ભીખાભાઈ અને હિતેશભાઈ પટેલની ધરપકડ કરી હતી. ચારેયના ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ કરતાં કેટલીક હકીકતો જાણવા મળી હતી. જેમાં ગુજરાત રાજ્યની શૈક્ષણિક સંસ્થાની બનાવટી માર્કશીટો વડોદરા ખાતે રહેતો હિરેન ઉર્ફે સોનું અને ગુજરાત રાજ્ય બહારની માર્કશીટો નવસારીનો હિરેન મૈસુરીયા જે બનાવી આપતા હોવાનું ખુલતા જ વિદ્યાનગર પોલીસની બે અલગ-અલગ ટીમોએ વડોદરા અને નવસારીમાં છાપાઓ મારીને બન્ને શખ્સોને ઝડપી પાડ્યા હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર હિરેન ઉર્ફે સોનુ પાસેથી બનાવટી માર્કશીટ છાપકામ કરવાની કેટલીક સામગ્રી મળી આવી હતી. જેને પણ જપ્ત કરવામાં આવી છે. સમગ્ર કેસની તપાસ ચલાવી રહેલા PID ડી. ડી. સીમ્પીના જણાવ્યા અનુસાર આ બન્ને શખ્સો કેટલાક સમયથી આ બનાવટી માર્કશીટો બનાવવાનો ધંધો કરે છે ? કોને-કોને, કેટલા સમયથી આપતા હતા ? એક માર્કશીટ પેટે કેટલા રૂપિયા લેતા હતા ? બનાવટી માર્કશીટોના આધારે કેટલાક લોકો વિદેશ જતા રહ્યા ? પકડાયેલા ઈસ્કોનના ભાગીદારો કેટલા સમયથી સંપર્કમાં હતા? જેવી બાબતોની તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન સ્ફોટક વિગતો સપાટી પર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.