શ્વેતનગરી આણંદમાં ઇરમાના 40માં સ્થાપના દિને મુખ્ય અતિથિ તરીકે ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે પોતાના સંબોધનની શરૂઆત ગુજરાતીમાં કરી હતી. જેને સમગ્ર હોલમાં ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાથી વધાવી લીધી હતી. નાયડુએ ગુજરાતીમાં સંબોધન કરતાં જણાવ્યું કે, ઇરમાના 40માં સ્થાપના દિવસના પ્રસંગે આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહેતા મને ગર્વની લાગણી થાય છે. મને ખુશી છે કે, હું એવા મહાન સ્ત્રી–પુરૂષોના જન્મ અને કર્મ સ્થળ ગણાય એવી મહાન ભૂમિ ઉપર ઊભો છું. જેમણે ભારતના ભાગ્યને દિશા આપી છે.
ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુએ જણાવ્યું હતું કે, દેશના સર્વાંગી વિકાસ માટે ગામડાંઓનો વિકાસ જરૂરી છે. આઝાદીના 70 વર્ષ બાદ ભારતની 68 ટકા જેટલી આબાદી ગામડાંઓમાં વસે છે. ત્યારે ગ્રામીણ અર્થતંત્રને વધુ સંગીન અને સુદ્રઢ બનાવવા માટે ગામડાઓમાં જઇ ખેડૂતોને ઉદ્યમતશીલતા અને નાવિન્યતાના પાઠ શીખવવા પડશે. પૂજય મહાત્મા ગાંધીજી કહેતા હતા કે, ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે. એટલુ જ નહી સરદાર સાહેબે પણ આઝાદી પૂર્વે ખેડા અને બારડોલી સત્યાગ્રહ દ્વારા ખેડૂતોના હિત અને કલ્યાણ માટે કામ કર્યું હતું. તેમજ તેનું સ્મરણ કર્યું હતું. શ્વેતનગરી અને દેશની દુગ્ધ રાજધાની એવા આણંદ ખાતે ઇન્સ્ટિટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ કરવામાં આવી હતી.
આ અવસરે ઉપરાષ્ટ્રપતિએ ઇરમાની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિએ એન.ડી.ડી.બી. ખાતે ઇરમા, અમૂલ, જીસીએમએમએફની વિકાસગાથા દર્શાવતા પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી. ગ્રામીણ વિકાસને સમર્પિત ઇરમા સંસ્થા પૂ.મહાત્મા ગાંધીજીના સ્વપ્નોને સાચા અર્થમાં સાકાર કરી રહી છે. તેનો સવિશેષ ઉલ્લેખ કરતાં ઉપરાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું હતું કે, અસરકારક ગ્રામીણ વ્યવસ્થાપન દ્વારા ઇરમા સમગ્ર દેશની 70 ટકા જેટલી ગ્રામીણ વસતીના જીવન ધોરણમાં સકારાત્મક બદલાવ લાવી રહી છે. તેમજ ગ્રામિણ અર્થકારણ અને ગામડાઓને મજબૂત બનાવવા માટે ખેતી તરફ વળવા, ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરવા અને આધુનિક યુગમાં જીવનશૈલીમાં બદલાવ લાવવાની હિમાયત કરી હતી.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, કેન્દ્ર સરકારે ગામડાઓના વિકાસને પ્રાધાન્ય આપી ગામડાંઓમાં પાયાની માળખાગત એવી વીજળી, પાણી, રસ્તા, સ્વચ્છતા અને શૌચાલયોનું નિર્માણ કર્યું છે. સમગ્ર દેશમાં સૌ પ્રથમ સ્વ. વડાપ્રધાન અટલબિહારી વાજપાઇજી દ્વારા 'સુર્વણ ચતુર્ભૂજ યોજના' અમલમાં મૂકવામાં આવી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં 'સૌનો સાથ સૌનો વિકાસ' મંત્ર દ્વારા સમગ્ર દેશમાં વિકાસની વિભાવના સાર્થક થઇ રહી છે.
દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 2 લાખ કિ.મી.ના રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ યોજનાના ત્રીજા તબકકામાં વધુ 1.25 લાખ કિ.મી.ના રસ્તાનું નિર્માણ કરવામાં આવશે. તેમજ સૌભાગ્ય યોજના હેઠળ ગરીબ કુટુંબોને વીજ જોડાણ ઉપરાંત પ્રધાનમંત્રી ઉજજવલા યોજના હેઠળ 8 કરોડ મહિલાઓને ગેસ જોડાણ પુરૂ પાડી તેમણે ધુમાડામાંથી મુકિત આપી છે. દેશમાં અલાયદા જલશકિત મંત્રાલયની રચના કરી જળ જીવન મિશન હેઠળ આગામી વર્ષ 2024 સુધીમાં દરેક ઘરને નળથી જળ મળે તે માટે સરકાર સંકલ્પબદ્ધ છે. દેશમાં જળરાશિના અસરકારક ઉપયોગ માટે નદીઓનું જોડાણ-સફાઇ ઉપરાંત તળાવોના સંરક્ષણ માટે કામગીરી કરવા સાથે સુએઝના પાણીને રીડયુસ, રીયુઝડ અને રીસાયકલ કરી ઉપયોગ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભારતમાં આજે ખાદ્ય, કૃષિ અને ગ્રામિણ ક્ષેત્રે 1000થી વધુ સ્ટાર્ટ અપ છે. ઇરમા આગામી બે વર્ષોમાં પોતાના કૌશલ્ય અને અનુભવના આધારે ગ્રામીણ ક્ષેત્રે નવા 1000 સ્ટાર્ટ અપ શરૂ કરવામાં અહમ ભૂમિકા નિભાવી શકે તેમ છે. ગામડાઓમાં 90 ટકા ડેરી સંબંધિત ગતિવિધિઓ મહિલા દ્વારા સંચાલિત છે. પરંતુ રાષ્ટ્રીય સ્તર પર જીડીપીમાં તેનું યોગદાન 25 ટકા છે. ગ્રામીણ સંગઠનો અને તેની આપૂર્તિ શૃંખલામાં મહિલા સશકિતકરણની અપાર સંભાવનાઓ રહેલી છે. આપણી પાસે અમૂલની સફળ ગાથા છે. શ્વેતક્રાંતિની સફળતા માસ પ્રોડકશનથી નહીં. પરંતુ પ્રોડકશન બાય માસીસથી મળી છે.
ગુજરાતનું સમગ્ર દેશમાં ગ્રામીણ અને કૃષિ વિકાસ તેમજ મહિલા સશકિતકરણની દિશામાં આગવું પ્રદાન રહ્યું છે. તેનો ગૌરવ કરતા તેમણે જણાવ્યું કે, અમૂલ મોડલે ગ્રામીણ અને મહિલા સશકિતકરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવા ગામડાઓમાં ડેરી, વેલ્યુ એડીશન, એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, વાંસ ઉત્પાદનો, મધ અને ખાદી, ફુડ પ્રોસેસીંગ યુનિટ, ફીશરીઝ જેવા ગ્રામીણ આજીવિકાના યુનિટો સ્થાપવાની હિમાયત કરી હતી. દેશના ગામડાઓના સર્વાંગી વિકાસ માટે આજથી 40 વર્ષ અગાઉ ઇરમાની સ્થાપના કરવા બદલ શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગિસ કુરિયનના યોગદાનને બિરદાવ્યું હતું. દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલિયન ડોલરના આંકે પહોંચાડવા માટે અસરકારક ગ્રામીણ વ્યવસ્થાપન દ્વારા ઇરમાને પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
દેશના નાગરિકોની જરૂરિયાતોની આપૂર્તિ કરવા સોશિયો-ઇકોનોમી વિકાસ સાથે ગ્રામીણ ભારતના વિકાસનો સંગીન રોડમેપ બનાવવા ઇરમાને મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરવા જણાવ્યું હતું. ઇરમાના વિદ્યાર્થીઓને શીખ આપતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, તમારૂં ભાવિ ખૂબ જ ઉજજવળ છે. નવા પડકારો પણ છે. ત્યારે પડકારોને ઝીલી લઇને શેર એન્ડ કેરની ફીલોસોફી સાથે CSR ને બદલે PSR (પસર્નલ સોશિયલ રીસ્પોન્સીબીલીટી)ને અનુસરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઇરમાના 40માં સ્થાપના દિને રાજય સરકાર વતી અભિનંદન આપી ઇરમાને રૂરલ ડેવલપમેન્ટ સાથે વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે પણ અસરકારક કામગીરી કરવા જણાવ્યું હતું. તે ઉપરાંત ડૉ. વર્ગિસ કુરિયને મેનેજમેન્ટ શબ્દનું મહત્વ સમજી અસરકારક મેનેજમેન્ટ દ્વારા દરેક કામ સફળ થાય છે. તેનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું હતું. તેમજ પૂજય બાપુના ગ્રામીણ વિકાસના સ્વપ્નને ઇરમા સંસ્થા સાચે જ ચરિતાર્થ કરી રહી છે.
આ પ્રારંભમાં સૌનો આવકાર કરતા ઇરમાના ચેરમેન દિલીપ રથે ઇરમાની 40 વર્ષની વિકાસ યાત્રાને વર્ણવતા જણાવ્યું હતું કે, ગ્રામીણ આજીવિકા અને ગ્રામીણ જીવનની ગુણવત્તા સુધારવા ઇરમા પ્રતિબદ્ધ છે. ઇરમાના 3000 જેટલા પ્રોફેશનલ પૈકી 60 ટકા પ્રોફેશનલ્સ ગ્રામીણ ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે. અંતમાં ઇરમાના નિયામક ડૉ. હિતેષ ભટ્ટે આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે સાંસદ લાલસિંહ વડોદિયા, મિતેષભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ કાંતિભાઇ ચાવડા, એનડીડીબીના પૂર્વ ચેરમેન ડૉ. અમૃતા પટેલ, બોર્ડ મેમ્બર, ફેકલ્ટી, એલ્યુમની સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.