- બેન્ડના વ્યવસાય પર કોરોનાની ગંભીર અસર
- કોરોનાની બીજી લહેરમાં કલાકારો દયનિય સ્થિતિમાં
- બંધ ધંધા અને લૉનના દેવાએ કલાકારોને આર્થીક ભીડમાં લીધા
આણંદઃ કોરોના મહામારીએ વેપાર વ્યવસાય પર ગંભીર અસર છોડી છે, બજારોમાં કોરોનાની અસર બાદ સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નિયંત્રણના કારણે વેપારીઓની ચિંતામાં વધારો કર્યો છે. ETV BHARAT દ્વારા કોરોનામાં અસરગ્રસ્ત બનેલા વેપારીઓની સ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે. ત્યારે આણંદ જિલ્લાના મ્યુઝિક બેન્ડના વ્યવસાય સાથે સંકળાયેલા કલાકારોની સ્થિતિ અંગે કલાકારો સાથે વાત કરવામાં આવી હતી. જેમાં તેમની દયનિય સ્થિતિમાં સપડાયેલા હોવાની હકીકત બહાર આવી હતી.
બેન્ડના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સરકારી SOP સાથે છુટછાટની માંગ
છેલ્લા 45 વર્ષથી મ્યુઝિક બેન્ડના વ્યવસાય સાથે સંકળાયેલા ભરત તળપદાએ જણાવ્યું હતું કે, માર્ચ 2020માં તેમની પાસે 28 પ્રસંગોના ઓર્ડર હતા. જે કોરોનામાં લાગુ કરાયેલા લોકડાઉન અને બાદમાં સરકાર દ્વારા પ્રસંગોની ઉજવણી માટે લાગુ કરવમાં આવેલી ગાઈડલાઈનના કારણે રદ થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં બેન્ડના વ્યવસાય સાથે 80 જેટલા બેન્ડ કામ કરી રહ્યા છે. બધાનું ભેગા મળી વાર્ષિક પાંચ કરોડ જેટલો વ્યવસાય કરતા હશે જે કોરોનામાં છેલ્લા દોઢ વર્ષમાં બિલકુલ શૂન્ય થઈ ગયો છે. તેમણે સ્થિતિની ગંભીરતા વર્ણવતા કહ્યું હતું કે, તેમના ધંધામાં આવેલા આ બદલાવથી જિલ્લામાં લગભગ 2500 થી 3000 પરિવારોએ રોજગારી ગુમાવી છે. જેમાં ઘણા કલાકારો આજે મ્યુઝિકના વ્યવસાય થી અલગ થઈને મજૂરી કરવા માટે મજબૂર બન્યા છે. તેમણે સરકારને અપીલ કરી હતી કે, રાજ્યમાં બેન્ડના વ્યવસાય સાથે હજારો લોકોની રોજી-રોટી નિર્ભર કરે છે, જેની નોંધ લઈ ચોક્કસ SOP સાથે છુટછાટ આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ કોરોનાના કારણે પાંચ હજાર કરોડની ઇન્ડસ્ટ્રી બની શકે છે મૃતપાય
કીબોર્ડ આર્ટિસ્ટે યોગ્ય છૂટછાટ સાથે વ્યવસાય કરવા સરકાર પાસે મંજૂરી માગી
છેલ્લા 18 વર્ષથી કીબોર્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરતા મ્યુઝીશિયન અનિલ માલીએ જણાવ્યું હતું કે, કોરોના પહેલા તેમને મહિને 20 થી 40 હજારનું કામ મળી રહેતું હતુ. નામી-અનામી કલાકારો સાથે ગરબા, સ્ટેજ શો, બેન્ડ, ભજન જેવા કાર્યક્રમોમાં તે કીબોર્ડ વગાડી પરિવારનું સારી રીતે ભરણપોષણ કરી શકતા હતા. માર્ચ માસમાં કોરોના આવ્યા બાદ ખૂબ મોટી આર્થિક સંકડામણમાંથી પસાર થવું પડી રહ્યું છે. કામની આવડત ફક્ત મ્યુઝિકની છે, માટે અન્ય કોઈ કામગીરીમાં મન લાગતું નથી. જેના કારણે ઓળખીતાઓ અને મિત્રો પાસેથી ઉછીના પૈસા લઈને જેમ-તેમ ઘર ચલાવવું પડી રહ્યું છે. અનિલએ સરકારને અપીલ કરી હતી કે, તેમના જેવા હજારો કલાકારોની હાલત ખૂબ નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહી છે, ત્યારે તેમના વ્યવસાય માટે યોગ્ય સૂચનો સાથે છુટછાટ આપી તેમને વ્યવસાય કરવા છૂટ આપવામાં આવે.
આ પણ વાંચોઃ ફૂલોના વેચાણમાં કોરોના અને વાવાઝોડાનું ગ્રહણ, સિઝનમાં પણ ભાવમાં 50ટકાનો ઘટાડો
બેન્ડના વ્યવસાય સાથે સંકળાયેલા હજારો કલાકારોએ આજીવિકા ગુમાવી
ઉલ્લેખનીય છે કે, બેન્ડ બાજાના કારણે શુભ પ્રસંગોમાં એક ઉત્સાહનો માહોલ બની જતો હોય છે, લોકો લાખો રૂપિયાના ખર્ચે બેન્ડના ઓર્ડર આપી પ્રસંગમાં આવેલા મહેમાનોને ખુશ કરવા પ્રયત્ન કરતા હોય છે. સામાન્ય બેન્ડમાં 15 થી 20 માણસોને રોજગારી મળતી હોય છે. જ્યારે મોટા પ્રસંગે 100 થી 150 માણસોને રોજગારી મળતી હોય છે. ત્યારે કોરોના મહામારીમાં ઉજવાતા પ્રસંગો પર લાગેલી રોક ના કારણે બેન્ડના વ્યવસાય સાથે સંકળાયેલા હજારો કલાકારોએ આજીવિકા ગુમાવવાનો વારો આવ્યો છે.