આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બોદાલ ગામની પાસે આવેલા સૂર્યપુરા વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠામાંથી 18 તારીખના રોજ એક માનવ કંકાલ મળી આવ્યું હતું. આ માનવ કંકાલ મળી આવવાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર સૂર્યપુરા વિસ્તારમાં આવેલ ટીટોડા પટ્ટામાંથી માનવ કંકાલ મળ્યાની માહિતી સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગઇ હતી. જે વાતની જાણ બોરસદ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઈંટોના ભઠ્ઠામાં તપાસ કરતા કેટલાક માનવ હાડકા પ્રાપ્ત થયા હતા. હાલ આ હાડકાઓને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં ફોરેન્સીક તપાસ માટે મોકલી આપી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
ઈંટોનો ભઠ્ઠાની જમીનના માલિક કાંતિભાઈ છે. કાંતિભાઈ ગોહિલ છ માસ અગાઉ ગુમ થયા હતા. તેમને આ જમીન ઉત્તર પ્રદેશના બહાર આલમને ઈંટોના ભઠ્ઠા માટે ભાડે આપી હતી. તેમની આ જમીન પર આવેલા ઈંટોના ભઠ્ઠામાંથી એક માનવ કંકાલ મળી આવ્યું હતું.
આ મામલે બોરસદ પોલીસ દ્વારા જમીન માલિકના દીકરા અને ઈંટોના ભઠ્ઠાના માલિકને પોલીસ મથકે બોલાવી પૂછપરછ કરી હતી. બીજી તરફ આ બાબતે કથિત મૃતકના સગા સંબંધીઓને પૂછતા તેઓએ આક્ષેપ કર્યો હતો કે, કાંતિભાઈ બુધાભાઈ ગોહિલ પોતાની જમીનમાં ઇંટોના ભઠ્ઠા માટે મૂળ યુપીના બહાર આલમને આ જગ્યા ભાડે આપી હતી. જે જમીનના ભાડા મુદ્દે કાંતિભાઈ અને બહાર વચ્ચે તકરાર થતા કાંતિભાઈને દારૂ પીવડાવીને ઈંટોના ભઠ્ઠામાં નાખી દીધો હોવાની શંકા વ્યક્ત કરી હતી. બુધવારે માનવ કંકાલ મળ્યું હતું એ તેમનું આવ્યું હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. કાંતિભાઈના પરિવાર છેલ્લા છ માસથી કાંતિભાઈની શોધ કરી રહ્યા હતા, પરંતુ તેમનો કોઇ પત્તો લાગ્યો નહોતો.
હવે ઈંટોના વેચાણની સિઝન ચાલુ થતા ભઠ્ઠાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન આ માનવ હાડપિંજર મળી આવ્યું હતું. આ હાડપિંજરને જોતા હાજર મજૂરો બીકના માર્યા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. ભઠ્ઠાના માલિક બહાર આલમ દ્વારા માનવ કંકાલ એકત્ર કરી કાંતિભાઈના દિકરાના હાથે તેનું મહીસાગર નદીમાં વિસર્જન કરાવ્યું હતું. આ વાત પોલીસ સુધી પહોંચતા પોલીસે ઘટનાનો તાગ મેળવવા સંપુર્ણ તપાસ હાથ ધરી હતી. પેટલાદ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, ધોળકા ટીટોડા પટ્ટામાંથી મળી આવેલ માનવ કંકાલને પરીક્ષણ અર્થે ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું છે. નદીના પટમાંથી પણ માનવ કંકાલના અસ્થીઓ એકઠા કરી સંપૂર્ણ પરીક્ષણ કરાવવામાં આવશે. ગામ લોકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને ધ્યાનમાં રાખીને પણ તપાસ કરવામાં આવશે. આ માનવ કંકાલ કોનું છે, મૃત્યુનું સાચુ કારણ શું છે, વગેરે સવાલોના જવાબ મેળવવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ કંકાલ જમીન માલિક કાંતિભાઈનો છે કે કેમ, તે અંગે તપાસ કરવા માટે કાંતિભાઈના પુત્રનું ડીએનએ સેમ્પલ લઇ આ કંકાલના ડીએનએ સાથે મૅચ કરવામાં આવશે. જેથી મૃતક વ્યક્તિની ઓળખ થઇ શકે.
ઉલ્લેખનીય છે કે, કાંતિભાઈ ગોહિલ છેલ્લા છ માસથી ગુમ થયેલ છે. તેમની માલિકીની જમીન પર ચાલતા ઈંટોના ભઠ્ઠામાંથી માનવ કંકાલ મળી આવ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ કંકાલ જમીન માલિક કાંતિભાઈનું છે કેમ અને જો આ કંકાલ કાંતિભાઈનું ન હોય તો કોનું છે તે પણ મહત્વનો સવાલ છે. કોઈ સાથે અકસ્માત થયો હોવાની શંકા પણ બહાર આલમે વ્યક્ત કરી છે. હાલ બોરસદ પોલીસે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.