આણંદઃ શહેરની બોરસદ ચોકડીએ આવેલી જિલ્લા પંચાયતની કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરતા એક આરોગ્ય કર્મીએ પોતાનો કોન્ટ્રાક્ટ રીન્યુ ન થતા આરોગ્ય વિભાગની ઓફિસમાં જ ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે 108 દ્વારા કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠમાં રહેતો પ્રેમલભાઈ દવે નામનો યુવાન છેલ્લા 10 વર્ષથી આણંદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ફાયનાન્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. 3 વર્ષ પહેલા તે ઉમરેઠ તાલુકા પંચાયતમાં બદલી કરાવીને જતો રહ્યો હતો. તે દરમિયાન 11-10-2019ના રોજ તેનો કોન્ટ્રાક્ટ પુરો થયો હતો. જેને લઈને તેણે પોતાનો કોન્ટ્રાક્ટ રીન્યુ કરવા માટે આણંદ જિલ્લા પંચાયતમાં પોતાની ફાઈલ મૂકી હતી. જો કે, અવાર-નવાર રજૂઆતો કરવા છતાં પણ તેની ફાઈલ રીન્યુ થઈ નહોતી. ચારેક મહિના જેટલો સમય વીતી ગયો હોય અને સત્તાધીશો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામા ના આવતા પ્રેમલભાઈ દવેનો પગાર પણ અટક્યો હતો.
આખરે કંટાળીને બુધવારે બપોરના સુમારે પ્રેમલભાઈ દવે આણંદ જિલ્લા પંચાયતની કચેરીએ આવ્યા હતા અને આરોગ્ય વિભાગની ઓફિસમાં જઈને બેગમાંથી ઝેરી દવા કાઢીને ગટગટાવી લીધી હતી. એકદમ જ બનેલી ઘટનાથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગભરાઈ ગયા હતા અને તુરંત જ 108ને ફોન કરતા પ્રેમલભાઈ દવેને સારવાર માટે કરમસદની હોસ્પિટલ ખસેડયા હતા, જ્યાં સમયસરની સારવાર મળતા તેની હાલત સ્થિર હોવાનું જણાવ્યું હતું.