- ₹1.16 કરોડના ખર્ચે બનનારા નવા મકાનનું ભૂમિ પૂજન કરાયું
- 1૬મી સદીમાં બનેલું વિશ્વનું પ્રથમ પશુ દવાખાનું ખંડેર હાલતમાં હતું
- હોસ્પિટલની ઈમારતને જડમૂળથી તોડીને અદ્યતન દવાખાનું તૈયાર કરાશે
ભરૂચ : ખંભાતને ગર્વ અપાવતું ૧૬મી સદીમાં બનેલું સમગ્ર વિશ્વનું પ્રથમ પશુ દવાખાનું છેલ્લા ઘણા વર્ષોથી ખંડેર અવસ્થામાં બંધ હાલતમાં હતું. રાજ્ય સરકારે તેના નવનિર્માણ માટે રૂપિયા 1.16 કરોડની ગ્રાન્ટ ફાળવતા નવા મકાનનું ભૂમિ પૂજન ધારાસભ્ય મયુર રાવલના હસ્તે યોજાયું હતું. આ પ્રસંગે શહેર ભાજપનાં મહામંત્રી પ્રશાંત ઝવેરી, નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ હિરેન ગાંધી, એપીએમસી ડિરેકટર રણછોડ ભરવાડ, પશુ ચિકિત્સક ડૉ.રામોલ્યા, ડૉ.થાવણી સહિતનાં અધિકારીઓ-કર્મચારીઓ તેમજ જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ખંભાત તાલુકાના પશુપાલકોને સૌથી વધુ ફાયદો થશે
આ અંગે ધારાસભ્ય મયુર રાવલે જણાવ્યું હતું કે, ખંભાતમાં છેલ્લા એક વર્ષમાં વિકાસનાં અનેક કાર્યો થયા છે. જેમાં શહેરનાં વિવિધ રસ્તાઓ, દરિયાકિનારે ચોપાટીનું આયોજન, માદળાં બાગનું રિનોવેશન સહિત અનેક કાર્યોનો સમાવેશ થાય છે. આજે ખંભાતમાં સોળમી સદીમાં બનેલા પશુ દવાખાનાને જડમૂળમાંથી નાશ કરીને 1.16 કરોડનાં ખર્ચે પશુ દવાખાનાનાં નવનિર્મિત મકાનનાં બાંધકામ માટે ગ્રાન્ટ મંજૂર કરી અદ્યતન દવાખાનું તૈયાર થશે. જેમાં ખંભાત તાલુકાના પશુપાલકોને સૌથી વધુ ફાયદો થશે.