- અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેના ગરનાળામાં એમોનિયા ગેસ ભરેલું ટેન્કર ફસાયું
- ફાયરબ્રિગેડની ટીમે મહામહેનતે ટેન્કર બહાર કાઢ્યું
- ઘટનાસ્થળની આસપાસનો વિસ્તાર ઝેરી એમોનિયાથી પ્રભાવિત થયો હતો
આણંદ: સામરખા ગામ નજીકથી પસાર થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેના ગરનાળા નીચે લિક્વિડ એમોનિયા ભરેલું ટેન્કર ફસાઈ ગયું હતું. જેના કારણે ટેન્કરના કોઈ વાલ્વને નુકસાન થતા ગેસ લિકેજ થયો હતો. એમોનિયા ગેસની ઝેરી અસરથી વાતાવરણ દુર્ગંધથી પ્રદુષિત થયું હતું. આણંદ ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર ઓફિસર ધર્મેશભાઈ ગોર સહિતના લશ્કરો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ઘટના સ્થળની આસપાસનો વિસ્તાર ઝેરી એમોનિયાથી પ્રભાવિત થયો હતો. આથી ફાયર લશ્કરોએ સમયસૂચકતાથી ટેન્કર ઉપર પાણીનો મારો ચલાવીને ગેસની અસરકારકતા હળવી કરી હતી. ત્યારબાદ ફસાયેલા ટેન્કરની કેબીનમાં બેસીને ફાયર વિભાગના ધીરૂભાઇ અને નરેન્દ્રભાઇએ ટેન્કરને સલામત રીતે બહાર કાઢ્યું હતું.
એમોનિયા ગેસ આણંદથી નંદેશરી મોકલવામાં આવી રહ્યો હતો
એકસપ્રેસ વે પરથી પસાર થતા વાહનચાલકોને પણ ગેસ લીકેજ થયાની જાણ થતાં અવરજવર કરતા વાહનોને સાવધાન કરવામાં આવ્યા હતા. ટેન્કર લીકેજ થાય તો આસપાસના વિસ્તારમાં મોટી હોનારત સર્જાવવાની ભીતિ સેવાઇ હતી. દરમિયાન જાણ થતાં સ્થળ પર દોડી આવેલ આણંદ ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે ટેન્કર બહાર કાઢ્યું હતું. આ ઘટનાને લઈને વાહનચાલકો અટવાઈ પડતા ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. ટેન્કરના કાગળો ચેક કરતા લિકવિડ એમોનિયા ચંબલ ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમીક્લ્સ લિ. કંપની, કોટા દ્વારા મૈસુર એમોનિયા સપ્લાય કોર્પોરેશન લિ. જીઆઈડીસી નંદેશરી મોકલવામાં આવી રહ્યો હતો.