ખંભાત તાલુકાનું કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ ઝોન તરીકે જાણીતું કલમસર ગામમાં અનેક કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે. જેમાં મંગળવારની વહેલી સવારે રોહન ડાઇઝ કપડાના કલર બનાવતી ફેક્ટરીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.
કેમિકલના ગોડાઉનમાં લાગેલ આગ પર કાબુ મેળવવા ONGC, ધુવારણ થર્મલ પાવર સ્ટેશન, આણંદ, પેટલાદ, વિધાનગર, ખંભાત શહેરના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં, પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર ફાઈટર્સ દ્વારા અંદાજે ફાયરના 35 કરતાં વધુ રાઉન્ડ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાયર ઓફિસરના જણાવ્યાં અનુસાર ગોડાઉનમાં રહેલ પૌષ્ટિક પાવડર અને નેપાલી પાઉડરના કારણે આગે પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું હતું. કલમસર ખાતે આવેલ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ ગોડાઉનમાં લાગેલી ભીષણ આગને પગલે સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું. આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન સિક્યુરિટી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ખંભાત મામલતદાર કક્ષાના અધિકારીઓ સહિત લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતાં. તેમને સ્થળ નિરીક્ષણ કરી કંપનીને ક્લોઝર આપવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આગના કારણે સમગ્ર ગોડાઉન બળીને ખાખ થઇ ગયું હતું. કંપનીને પહોંચેલા નુકસાનની ગણતરી અંગે હાલ ફેક્ટરી ઇન્સ્પેક્ટર, પ્રોજેક્ટ મેનેજર દ્વારા કોઈ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી.