આણંદ: શહેરની મધ્યમાં આવેલા લોટિયા ભાગોળ વિસ્તારમાં શિવમ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા પ્લાયવુડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગની ઘટના બનતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ લોટિયા ભાગોળ વિસ્તારમાં આગની ઘટના બન્યા બાદ આસપાસના સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શિવમ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા પ્લાયવુડના ગોડાઉન પાસે જ પેટ્રોલ પંપ આવેલો હોવાથી લોકોમાં મોટી દુર્ઘટના સર્જવાનો ભય સર્જાયો હતો.
ઘટનાની જાણ આણંદ ફાયરબ્રિગેડને થતાં ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રક્રિયા હાથ ધરી હતી. ઘટના અંગે માહિતી આપતા આણંદ ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર ધર્મેશ ગોરે જણાવ્યું હતું કે, આગ ખૂબ ભીષણ હતી. આ સાથે જ ઘટના સ્થળ પાસે પેટ્રોલપંપ આવેલો હોવાથી મોટી હોનારત સર્જાય તેવી શકયતાઓ પણ હતી. જેથી ફાયરના જવાનોએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. જે 2.5 કલાકની જહેમત બાદ શક્ય બન્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હજૂ આગ લાગવાનું સાચું કારણ બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ મોટી હોનારત સર્જે તેવી શક્યતા હતી, પરંતુ સદનસીબે આણંદ ફાયર બ્રિગેડની સટીક કામગિરીથી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી, ત્યારે નુકસાન અંગે માહિતી આપતા ગોડાઉનના માલિક જીતેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, આગ લાગવાનું કારણ કોઈ ચોક્કસ ખ્યાલ નથી. આ ઘટનામાં 25થી 30 લાખનું નુકસાન થવાનું અનુમાન છે.