આણંદ: ખંભાત વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ પક્ષ ના ધારાસભ્ય ચિરાગ પટેલ દ્વારા અચાનક રાજીનામું ધરી દીધું છે તેને કારણે આણંદ જિલ્લા સહિત રાજ્ય ભરમાં રાજકારણ ગરમાયું છે. ચીરાગ પટેલ વર્ષ 2022માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના મેન્ડેટ સાથે ચૂંટણી લડીને સિટિંગ ધારાસભ્ય મયુર રાવલને 2500 ઉપરાંત મતથી હાર આપી હતી અને 27 વર્ષ બાદ ખંભાત બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચીરાગ પટેલ ચૂંટાયા હતા. ચિરાગ પટેલે 370 દિવસ બાદ અચાનક આજે વિધાનસભા અધ્યક્ષ સામે રાજીનામું ધરી દેતા સ્થાનિક કક્ષાએ કોંગ્રેસી કાર્યકરો અને ઘણા અંશે પ્રજામાં પણ તેમની સામે રોષ જોવા મળી રહ્યો છે.
શું છે પ્રજાનો મત: આ મામલે જ્યારે ઈટીવી ભારતે પ્રજાના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો તો પ્રજાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રાજકીય પક્ષો વચ્ચેની ખેચતાણમાં પ્રજા પીસાઈ રહી છે, કોઈ વ્યક્તિ પ્રજાની આપેલી જવાબદારી અદા કરવાના બદલે વ્યક્તિગત વિચારોથી વર્તે તે બિલકુલ વ્યાજબી નથી. ધારાસભ્ય ચિરાગ પટેલના પગલાં સામે પ્રજામાં ફટકારની લાગણી ખુલીને સામે આવી હતી.
ચિરાગ પટેલે કોંગ્રેસ સાથે કરી ગદ્દારી: સ્થાનિક નેતાઓમાં અંગત સ્વાર્થ માટે પક્ષ પલટો કરવાની આદત પ્રમાણે ફરીથી ચિરાગ પટેલ દ્વારા લેવાયેલા નિર્ણય સામે અલગ-અલગ પ્રતિક્રિયાઓ ખુલીને સામે આવી રહી છે. કોંગ્રેસના પૂર્વ સંગઠન પ્રમુખ મહેન્દ્રસિંહના જણાવ્યા મુજબ કોંગેસમાંથી ચિરાગ પટેલની બાદબાકીથી કોઈ ફરક પડવાનો નથી, જોકે તેમણે ચિરાગ પટેલે કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરી હોવાનો પણ ટોણો માર્યો હતો. સ્થાનીક પ્રજામાં ચર્ચા છે કે, ચિરાગ પટેલના કોંગ્રેસમાં જવા પાછળનું કારણ રાજસ્થાન માં તેમની કંપનીના સરકારી કામોના કોન્ટ્રાક્ટ હોવાની સાથે-સાથે હવે પાડોશી રાજ્યમાં આવેલા સત્તા પરિવર્તનની અસર ખંભાતમાં જોવા મળી હોવાની પણ ચર્ચા ઉઠી છે. આ દરમિયાન ચિરાગ પટેલને કયા એવા પરિબળો પક્ષમાં પરત લાવવા કામ કરી ગયા તે મુદ્દો પણ ચર્ચાના એરણે ચડ્યો છે.
ચિરાગના કેસરિયા: મહત્વનું છે કે જ્યારે ચિરાગ પટેલ દ્વારા કોંગ્રેસનો હાથ છોડીને કેસરિયા કરવામાં આવ્યા છે, ત્યારે ખંભાત ભાજપમાં આનંદ છવાઈ ગયો છે. ભાજપના આગેવાનો દ્વારા આને ભારતીય જનતા પાર્ટીની જીત તરીકે જોવામાં આવી રહી છે અને તે ધારાસભ્ય ચિરાગ પટેલના નિર્ણયને અને ચિરાગ પટેલને આવકારી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, ચિરાગ પટેલના રાજીનામા બાદ વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા બળ ઘટીને માત્ર 16 ધારાસભ્યોનું થઈ ગયું છે. મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ ના ગઢ ગણાતા આણંદ જિલ્લામાં ખંભાત બેઠક કોંગ્રેસને 27 વર્ષે મળી હતી, તે ચિરાગ પટેલના આ નિર્ણયથી હવે કોંગ્રેસ પાસેથી સરકી ગઇ છે. હવે જિલ્લામાં ફક્ત એક બેઠક આંકલાવ વિધાનસભા પર કોંગ્રેસ સત્તા માં રહી છે.