- 39 હોસ્પિટલમાં સારવારની સુવિધા ઉપલબ્ધ
- જિલ્લામાં હાલ 1510 બેડ ભરેલા
- દૈનિક 2200 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે
આણંદઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 4792 કેસ નોંધાયા છે. જેમાંથી 3782 દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ બન્યા છે, જ્યારે 25 લોકોના કોરોનાથી મોત થયા છે. જિલ્લામાં ગુરુવારે સૌથી વધુ 125 કેસ સામે આવ્યાં છે. ત્યારે ETV Bharat દ્વારા જિલ્લા કલેક્ટર સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
જિલ્લામાં રસીકરણની 61 ટકા કામગીરી પૂર્ણ
ETV Bharat સાથે વાતચીત કરતા જિલ્લા કલેકટરે જણાવ્યું કે,આણંદ જિલ્લામાં કુલ 2148 કોરોના બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 35 ખાનગી અને 4 સરકારી હોસ્પિટલમાં દર્દીઓને કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે. જેમાંથી 1510 બેડ હાલ ભરેલા છે, તે સિવાય ઓક્સિજન વાળા 279 બેડ, હાઈફલ્લો ના 2 બેડ, NRBA ના 9 બેડ, વેન્ટિલેટરનો એક બેડ ખાલી છે. કલેક્ટરે જણાવ્યું કે, જિલ્લામાં રસીકરણની કામગીરી પણ 61 ટકા જેટલી પૂર્ણ થઈ છે. જિલ્લામાં કુલ 3,61,464 લોકોએ રસીકરણનો લાભ લીધો છે. જેમાં 59 વર્ષ કરતા મોટી ઉંમરના 80 ટકા લોકોએ રસી લીધી છે.
આ પણ વાંચોઃ એપ્રિલ મહિનાના 8 દિવસમાં 164 દર્દી થયા કોરોના સંક્રમિત
રેમડેસીવીરની જરૂરીયાત મુજબ પુરવઠો મળી રહે છે
કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, જે પ્રમાણે આગામી મહિનાથી થતી 18 વર્ષ કરતા મોટી ઉંમરના લોકોના રસીકરણના અભ્યાનમાં જિલ્લામાં 200 બૂથ ઉભા કરી, CHC અને PHC કેન્દ્રો પર આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, સાથે જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શન પણ જરૂરિયાત મુજબ મળી રહે છે, જે જરૂરિયાત મુજબ તમામ સરકારી બેડ ધરાવતી કોવિડ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ રિયાલિટી ચેકઃ આણંદની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની પરિસ્થિતિ
જિલ્લામાં દરરોજ 100થી વધુ કેસ આવી રહ્યા છે સામે
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કોરોના મહામારી દિન પ્રતિદિન વધી રહી છે, કોરોના મહામારી શરૂ થયા બાદ આવેલી બીજી લહેરમાં આણંદ જિલ્લામાં સંક્રમિત દર્દીઓનો આંકડો દૈનિક 100ની પાર આવી રહ્યો છે. જે સામાન્ય દિવસોમાં 20 કે 25 આસપાસ રહેતા હતા, જેમાં ચાર ગણો વધારો થયો છે. તેવામાં જિલ્લા કલેકટર દ્વારા સરકારના નિર્દેશ મુજબ આણંદ શહેર અને જિલ્લા માટે અલગ-અલગ જાહેરનામું બહાર પાડી નિયત નિયંત્રણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.