સામાન્ય રીતે અકસ્માત થવા માટે ઘણા બધા પરિબળો કારણભૂત હોય છે. આણંદ શહેરમાં છેલ્લાં ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા સ્થાનિકોને પરેશાન કરી રહી છે. ત્યારે જિલ્લામાં ટ્રાફિક થવા પાછળના કારણો અને માર્ગ પર રાહદારીઓ અને સાધન ચાલકોની સલામતી માટે કેવા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે અને કઈ સુવિધાઓ નો આભાવ છે તે અંગે Etv Bharat દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત કરવામાં આવી હતી.
Etv bharat દ્વારા કરવામાં આવેલી મુલાકાતમાં જાણવા મળ્યું કે, ટ્રાફિકની સમસ્યા સામે લડવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં તંત્ર નિષ્ફળ નિવડી રહ્યું છે. વાત કરવામાં આવે તો, શહેરની અતિવ્યસ્ત કહેવાતી ગણેશ ચોકડી પાસે કોઈ પણ ઝીબ્રા ક્રોસીંગની સુવિધા જ નથી. જેના કારણે રાહદારીઓને ન છૂટકે કોઈ પણ સ્થળેથી રસ્તો ઓળંગવો પડે છે. જે જોખમીભર્યુ છે.
શહેરની મુખ્ય બજાર ગણાતા એવા સ્ટેશન વિસ્તારમાં પણ પાર્કિંગની મુખ્ય સમસ્યા છે. જેથી અવાર-નવાર અજાણ્યા શખ્સોને પોલીસ દ્વારા આકરા દંડ કરવામાં આવે છે. પરંતુ આ તમામ ઘટનાઓથી નગરપાલિકા જાણકાર હોવા છતાં પાર્કિંગ માટે કે આ વિસ્તારમાં થતા ગેરકાયદે દબાણોને દૂર કરવાના પ્રયાસો નિષ્ફળ નિવડી રહ્યાં છે. પાલિકા દ્વારા આ અંગે ઓડ ઇવન પાર્કિંગ પ્રથા ચાલુ કરવામાં આવી છે. પરંતુ તે પ્રયાસ પણ નિષ્ફળ લાગી રહ્યો છે.
હાલ આવી રહેલા તહેવારોની સિઝનમાં જ્યારે સામાન્ય રીતે આસપાસના વિસ્તારમાંથી પરિવારો ખરીદી માટે આણંદ આવતા હોય ત્યારે, પાર્કિંગની અપૂરતી સુવિધાઓના કારણે વાહન જ્યાં ત્યાં પાર્ક કરવા પડે છે. જેને કારણે અંતે તંત્રના આકરા દંડ ભરવાનો વારો આવે છે.
આણંદ શહેરમાં આવેલી બોરસદ ચોકડી પાસે અને શહેરના ઘણા વિસ્તારોમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા ટ્રાફિક સિગ્નલ લગાવામાં આવ્યા છે. પરંતુ તેને ઉપયોગમાં લીધા સિવાય આજે પણ ટ્રાફિક સિગ્નલ બંધ રાખી ટી.આર.બી અને ટ્રાફિક પોલીસની મદદ લેવામાં આવી રહી છે. તંત્ર દ્વારા લાખોના ખર્ચે ઉભા કરવામાં આવેલી સુવિધાઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે.
આણંદ શહેરમાં વાહન વ્યવહાર પર નિયંત્રણ રાખવા સુવિધાઓની પૂર્તિ કરી તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યાનો ક્યારે નિરાકરણ લાવવામાં આવે છે તે જોવું રહ્યું.