- ખાદ્યતેલમાં થાય છે સતત ભાવ વધારો
- સામાન્ય પ્રજા પર જોવા મળી રહી છે અસર
- સીંગતેલ-કપાસીયાતેલમાં જોવા મળ્યો જંગી ભાવ વધારો
આણંદ: ખાદ્યતેલના ભાવમાં ઘણા લાંબા સમયથી સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે રોજિંદા વપરાશમાં આવતું ખાદ્યતેલ હવે પ્રજા માટે એક મહત્વપૂર્ણ મુદ્દો બની ગયું છે. વર્તમાન ખાદ્યતેલના ભાવની જો વાત કરવામાં આવે તો, કપાસિયા તેલનો 15 કિલોનો ભાવ રૂ. 2150એ પહોંચ્યો છે. સાથે જ ખૂબ મોટા ભાવ વધારા સાથે સનફ્લાવર તેલનો 15 લિટરનો ભાવ રૂ.2600 સુધી પહોંચ્યો છે. સીધી રીતે જોઈએ તો, સીંગતેલ અને કપાસિયા તેલ પર અંદાજે 250 રૂપિયા જેટલો ભાવ વધારો છેલ્લા એક માસમાં જોવા મળ્યો છે, તો બીજી તરફ સનફ્લાવર તેલ પર 350 રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો છે. જેની સીધી અસર સામાન્ય પ્રજા પર પણ થઈ રહી છે.
આ પણ વાંચો: ખાદ્ય તેલના ભાવ વધારા મુદ્દે ગૃહમાં હોબાળો, નિકાસ વધુ એટલે ભાવ વધારાનો સરકારનો જવાબ
તેલ ઉત્પાદનમાં ડિમાન્ડ અને સપ્લાયની શૃંખલા પર થઈ અસર
આણંદ વેપારીઓના મતે જોઈએ તો, છેલ્લા વર્ષ દરમિયાન થયેલા વધારાના કારણે તેના વેચાણમાં 20થી 25 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. આના વિશે જણાવતાં વેપારી કહે છે કે, કોરોનાના કારણે બજારમાં થયેલા ઉંચા વેચાણના પરિણામે તેલ ઉત્પાદનમાં ડિમાન્ડ અને સપ્લાયની શૃંખલા પર અસર થઈ હતી. જેના કારણે આજે બજારની માંગમાં ઘટાડો જોવા મળ્યો હતો. સાથે જ વર્તમાન પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સાથે ઉંચી મજૂરીના કારણે પણ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: ખાદ્ય તેલના ભાવમાં થયો ભડકો
સામાન્ય વર્ગના ખિસ્સા પર વધારાનું ભારણ
ખાદ્યતેલમાં આવેલો ભાવ વધારો સામાન્ય પ્રજા માટે જટિલ પ્રશ્ન બની રહ્યો છે. નાનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓથી લઈ ગૃહિણીઓના બજેટ પર આ ભાવ વધારો સીધી રીતે અસર કરી રહ્યો છે. જેમાં હવે સામાન્ય પ્રજા રાહત ઇચ્છી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સર્જાયેલી વિષમતાના કારણે આ ભાવ વધારો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે સામાન્ય વર્ગના ખિસ્સા પર વધારાનું ભારણ પડી રહ્યું છે.