આણંદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઉપક્રમે રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે જિલ્લાના બાકરોલ ખાતે અંદાજે રૂપિયા 2126.77 લાખના ખર્ચે નવનિર્મિત આદર્શ નિવાસી શાળા કન્યા-કુમાર છાત્રાલયો સંકુલ 1-2 અને પી.જી. નવીન મકાનોનું ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી ઈ-લોકાર્પણ કર્યું હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઇશ્વર પરમાર અને રાજ્યપ્રધાન વાસણ આહિર પણ આ લોકાર્પણમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને અહીં શિક્ષણની સાથે છાત્રાલાય, ભોજનાલય, રીડીંગ રૂમ, કોમ્પ્યુટર લેબ, વિઝીટર રૂમ, કીચન વીથ પેસ્ટ્રી ઉપરાંત ગણવેશ, પુસ્તકો, રમતગમતના સાધનો, સામાયિકો જેવી સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ભણતરની સાથો શારીરિક રીતે ફિટ રાખવા માટે રમત-ગમતના મેદાનો પણ બનાવવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓ રમત-ગમતમાં પણ આગળ વધી શકશે.
લોકાર્પણ કાર્યક્રમમાં વિદ્યાનગર ખાતેના સંકુલમાં ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઉન્નતિ મકવાણાએ જણાવ્યું કે, મુખ્યપ્રધાને આજે ઈ-લોકાર્પણ કરી અમને પ્રકૃતિમય સાંનિધ્ય પુરૂં પાડ્યું છે. આવા સુંદર સાનિધ્યમાં અમને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે, જેથી અમે ખૂબ ખુશ છીંએ.