- વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન કરમસદ એકમ દ્વારા સ્માર્ટ સ્ટીક નું વિતરણ
- અંધજન મંડળ ના 25 પ્રજ્ઞયાચક્ષુ બાળકોને આપી સ્માર્ટસ્ટિક
- 18.51 કરોડના ખર્ચે 1 લાખ સ્માર્ટ સ્ટીકનું કરશે ભારતભરમાં નિઃશુલ્ક વિતરણ
વિદ્યાનગર: વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી પ્રેરીત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન(VYO)ના નેજા હેઠળ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક અખંડ ભૂમંડલાચાર્ય જગદ્ગુરૂ વલ્લભાચાર્ય (શ્રી મહાપ્રભુજી)ના ૫૪૪માં પ્રાદુર્ભાવ ઉત્સવ નિમિત્તે વ્રજરાજકુમારજીની મંગલ પ્રેરણા અને વિશ્વભરના વૈષ્ણવોની સેવા દ્વારા “Being Blind, Being Stronger” અભિયાન અન્વયે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને ઉપયોગી એવી સ્માર્ટસ્ટીક નું વિતરણ કરવામાં આવ્યું હતું.
VYO દ્વારા રૂપિયા 18.51 કરોડની કિંમતની એક લાખ નંગ સ્ટીકનુંં વિતરણ કરાશે
ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટ અંતર્ગત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આવનારા દિવસોમાં તબક્કાવાર રૂપિયા 18.51 કરોડની કિંમતની એક લાખ નંગ સ્ટીકનુંં વિતરણ ભારતભરમાં કરવામાં આવશે. આ સ્ટીકની છુટક બજાર કિંમત અંદાજિત રૂપિયા 3000 પ્રતિ નંગ છે. જેના માટે દેશ અને દુનિયાભરમાંથી વૈષ્ણવોએ ઉદાર દિલથી સેવા કરેલ છે. આ સ્ટીકની ખાસિયાત એ છે કે તેમાં એક સેન્સર લાગેલ હોય છે. જેને મોબાઇલ ફોનની જેમ ચાર્જ કરતા રહેવાનુ હોય છે. આ ચાર્જરના કારણે આ સ્ટીક ધરાવનાર વ્યક્તિની આસપાસ એક થી ત્રણ ફુટ જગ્યામાં આવતી વસ્તુ, વ્યક્તિ કે અન્ય અડચણ વગેરેની આગોતરી જાણ સ્ટીકના હેન્ડલમાં રાખેલ વાયબ્રેટર મારફતે થઇ જાય છે. જેના કારણે આ સાધન દરેક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને રોજબરોજના જીવનમાં ખુબ ઉપયોગી તથા આશીર્વાદરૂપ સાબીત થાય છે.
કાર્યક્રમમાં વિવિધ લોકો રહ્યા ઉપસ્થિત
આ વિતરણ કાર્યક્રમમાં અંધજન મંડળ આણંદ એકમના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ, મંત્રી સુધાબેન પટેલ, જલારામ જન સેવા ટ્ર્સ્ટ ધર્મજ દ્વારા ચાલતી દિવ્યાંગ માટેની પ્રવૃત્તિના પ્રોજેક્ટ ડાયરેક્ટર રાજેશ પટેલ(ધર્મજ), વલ્લભ યુથ ઓર્ગનાઇઝેશન કરમસદ એકમના પ્રમુખ અંક્તિ પટેલ (મુખી), મહિલા પાંખના પ્રમુખ પીનાબેન પટેલ, યુવા પાંખના પ્રમુખ કુશ પટેલ તથા અન્ય સ્વંય સેવક ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમના પ્રારંભે દિપ પ્રાગટ્ય
કાર્યક્રમના પ્રારંભે દિપ પ્રાગટ્ય કરી સુધાબેન પટેલે સ્વાગત પ્રવચન કરી અંધજન મંડળની પ્રવૃત્તિઓથી સૌને વાકેફ રાજેશ પટેલે સમગ્ર પ્રોજેક્ટની ટુંકી માહિતી જણાવતા કહેલુું કે, આ કોઇ દાન નથી, પરંતુ એક વૈષ્ણવજન દ્વારા બીજા વૈષ્ણવની સેવા માત્ર છે. એક વૈષ્ણવ તરીકે ઠાકોરજીની કૃપા અને પ્રેરણાથી અમો સૌ આ સેવામાં નિમિત્ત બન્યા છીએ. આજનો દિવસ મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિન હોઇ પવિત્ર દિવસ છે. ત્યારે સૌ પ્રજ્ઞાચક્ષુઓને મળેલી આ સ્ટીક તેમના રોજબરોજના કાર્યોમાં ઉપયોગી બની દૈનિક જીવન સરળ બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અંક્તિ પટેલે આ સ્ટીક કેવી રીતે વાપરવી તે અંગે માહિતી આપી હતી. જ્યારે પીનાબેને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનની નિયમિતપણે ચાલતી પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી હતી.