આણંદ: શહેરમાં અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા રોડ માટીની જેમ ઓગળી રહ્યાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આણંદ પાલિકાનગર તરફ જતા જુના મોગરી રોડ પર આવેલા બાપ સીતારામ ચોક પાસે છેલ્લાં ઘણા વર્ષોથી રોડમાં ભૂવા પડવાની સમસ્યા કાયમી બની ગઈ છે. જેના કારણે સ્થાનિકો અનેક અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે.
આણંદના શહેરના રોડની બિસ્માર હાલતના કારણે સ્થાનિકો પરેશાન છે, ત્યારે તંત્ર દ્વારા રોડ પર થિગડા મારવામાં આવે છે, જેથી રોડ વધુ જોખમી બને છે. જ્યારે વરસાદ પડ્યા બાદ રોડ પર પાણી ભરાય છે, જેના કારણે રોડ પર પડેલા ભૂવા દેખાતા નથી. આ વિસ્તારમાં રહેતા અને રોડનો ઉપયોગ કરતા નાગરિકોના જીવ પર ખતરો ઉભો થાય છે.
આ અંગે ETV ભારતે સ્થાનિક અમિત રાઠોડ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જનતા ચોકડી થઈ મોગરી તરફ જતા રોડ પર અનેક સ્થળો પર ભૂવા પડ્યા છે. જેથી માર્ગની પરિસ્થિતિ ખૂબજ જોખમી બની છે. આ માર્ગનો ઉપયોગ કરતા લોકો માટે આ માર્ગ યમરાજ રૂપ સાબિત થઈ રહ્યો છે, તેમના જણાવ્યા અનુસાર માર્ગ અંગે પાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ નકર પગલાં ભરવામાં આવતા નથી.
આ અંગે ETV ભારતે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તપાસ કરી ચોક્કસ નિરાકરણ લાવવાની વાત કરી હતી. સાથે જ તેમના જણાવ્યા અનુસાર આ માર્ગ ચાર વર્ષ અગાઉ બન્યો હતો. જેમાં ગટર (ડ્રેનેજ)ની કામગીરી કર્યા બાદ આ સમસ્યાનું ઉભી થઈ છે. જે અંગે પાલિકા દ્વારા જે તે એજન્સીને નિયમ અનુસાર જાણ કરવામાં આવશે. સાથે જ રોડ પર પડેલા ભૂવાને પૂરવા માટે અને આ સમસ્યાનું ચોક્કસ નિરાકરણ લાવવા કામ કરવાની જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, આ માર્ગ પર આગળ નગરપાલિકા દ્વારા પાલિકા નગર બનાવવામાં આવ્યું છે. જે નગરપાલિકાના અધિકારીઓ સહિત કર્મચારીઓના પ્લોટ અને રહેણાંક મકાનો આવેલા છે, જ્યાં રહેતા કર્મચારીઓ પણ આજ માર્ગનો ઉપયોગ યાતયાત માટે કરતા હોય છે, તેમ છતાં રોડની આવી પરિસ્થિતિ તંત્રના કામ પર અનેક સવાલો ઉભા કરી રહી છે.