- આણંદમાં આતંક મચાવનાર ચડ્ડી બંડી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો
- પોલીસે CCTV ફૂટેજ અને અન્ય બાતમીદારોની ટિમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
- આણંદ જિલ્લામાં પોલીસે 44 માણસોની ટિમ બનાવી ગુપ્ત તપાસ હાથ ધરી હતી
આણંદ: વિદ્યાનગરમાં ઘણા લાંબા સમયથી સક્રિય થયેલી ચડ્ડી બનીયાનધારી ધાડપાડુ ગેંગે આણંદ જિલ્લામાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. આ ગેંગને પકડવીએ જિલ્લા પોલીસ તંત્ર માટે એક ચેલેન્જ બની ગઈ હતી. ત્યારે આણંદ જિલ્લા પોલીસની વિવિધ વિભાગોએ ટિમ બનાવી વિદ્યાનગર અને ત્યારબાદ જિલ્લા મથક આણંદમાં ત્રાટકીને મકાન માલિકોને માર મારીને અંદાજે અઢી લાખ ઉપરાંતની મત્તાની લૂંટ કરીને ફરાર થઈ ગયેલા ધાડપાડુઓના મુખ્ય સૂત્રધાર નરેશ કટારાને પોલીસે રંગેહાથે પક્ડયો હતો.
પોલીસે CCTV ફૂટેજ અને અન્ય બાતમીદારોની ટિમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ચોરીની ઘટનાઓ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ગત 14 મી માર્ચના રોજ વિદ્યાનગરની યમુનાપાર્ક સોસાયટીમાં વહેલી સવારના સુમારે ધાડ પાડી હતી. જ્યાં પાડોશી દંપત્તિને માર મારીને ધાડપાડુઓએ 1.71 લાખ ઉપરાંતની મત્તાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદમાં 21 મી માર્ચના રોજ વહેલી સવારના સુમારે એ.પી.સી સામે આવેલા પનઘટ પાર્ક સોસાયટીમાં ધાડપાડુઓએ ત્રાટકીને વૃદ્ધ માતા અને પુત્રને માર મારીને 90 હજાર તેમજ મોર્નિગ વોકમાં નીકળેલા દંપત્તિને ડરાવીને મહિલાએ પહેરેલી સોનાની બે બંગડીઓ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાઓ બાદ પોલીસે CCTV ફૂટેજ અને અન્ય બાતમીદારોની ટિમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આણંદ જિલ્લામાં પોલીસે 44 માણસોની ટિમ બનાવી ગુપ્ત તપાસ હાથ ધરી હતી
આણંદ આસપાસના વિસ્તારોમાં બનતી ધાડની ઘટનાને લઈ પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી. પોલીસના પેટ્રોલીંગ અને સતર્કતા હોવા છતાં લૂંટના વધતા ગુનાને લઈ આણંદ પોલીસ દ્વારા તમામ સોસાયટી વિસ્તારોમાં બાઇકથી અસરકારક પેટ્રોલીંગ થાય તે માટે ચોકકસ વિસ્તારોના રૂટ નક્કી કરી LCB, SOG, આણંદ ટાઉન, આણંદ રૂરલ, વિદ્યાનગર તથા પેરોલ ફર્લો સ્કોડના મળી કુલ - 44 પોલીસ માણસો એકબીજાના સંકલનમાં રહે તે રીતે અસરકારક કામગીરી કરવા માટે જરૂરી સૂચનાઓ આપી બાઇક પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: 9 લાખથી વધુના તમાકુની ચોરી કરતા 5 શખ્સોને જૂનાગઢ પોલીસે ઝડપી લીધા
પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ ઇકો ગાડીની તપાસ કરાઈ
જેમાં પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ ઇકો ગાડી સામે આવતા સમગ્ર ઘટના પરથી પડદો ઊંચક્યો હતો, વહેલી સવારના પોલીસ માણસો મોગરી નવા રોડ તરફથી એલીકોન સર્કલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન વહેલી સવારના સમયે એક શંકાસ્પદ ઇકો કાર આટા ફેરા મારતી હતી. આ શંકાસ્પદ જણાતી ગાડીનો પેટ્રોલીંગના પેરોલ ફર્લો સ્કોડના પોલીસ અધિકારી કુલદીપસિંહ તથા પોલીસ અધિકારી કૃણાલભાઇ નાઓએ પીછો કરી અને પેટ્રોલીંગની બીજી ટિમના માણસોને જાણ કરી હતી.
પોલીસે કારને રોકી હતી અને ડ્રાઈવરને પકડી લીધો હતો
ત્યારબાદ તમામ ટિમોએ ભેગા મળી આણંદ સોજીત્રા રોડ ઉપર એલીકોન સર્કલ નજીક ઇકો ગાડી રોકી લીધી અને તેમાં બેઠેલ ડ્રાઇવર નરેશભાઇ હસનાભાઇ પારસીંગભાઇ કટારાને ઇકો કાર નં.જી.જે.23.સી.સી.1179 સાથે પકડી લીધો હતો.
આ પણ વાંચો: ઓરિસ્સાથી ફ્લાઈટમાં સુરત આવીને 30થી વધુ સ્થળો પર ચોરી કરનારો આરોપી ઝડપાયો
કોણ છે નરેશ કટારા ?
ઇકો કારના ચાલક નરેશભાઇ હસનાભાઇ પારસીંગભાઇ કટારા નાઓના પિતા રેલવેમાં અગાસ રેલવે સ્ટેશનમાં નોકરી કરતા હતા. જેથી પોતે આણંદ તથા વિદ્યાનગરના વિસ્તારથી વાકેફ હોઇ તેના ગામના ઉપરોકત પાંચેય માણસો તેના ઘરે આવી ચોરીઓ કરવા જતા હતા. પકડવા બાકીના આરોપીઓ અગાઉ પણ ઘરફોડ ચોરીઓના ગુનામાં પકડાયેલા છે જે તમામને પકડવા માટે અલગ અલગ ટિમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ કેસમાં ફરાર આરોપીઓ
પોલીસ દ્વારા આ કેસમાં ફરાર આરોપીઓ (1) કલેશ સુનીયાભાઇ કટારા (2) મનીયા ઉર્ફે મનુભાઇ ભાભોર (3) મુકેશ સુનીયા કટારા (૪) લક્ષ્મણ મુળીયા કટારા તથા બીજો એક તમામ રહે.વડવા તા. ગરબાડા જી.દાહોદ ને ઝડપવા ટિમ બનાવી કામગીરી શરૂ કરાઈ છે.
આ પણ વાંચો: વડોદરામાં પ્રવાસીઓને ખાદ્યપદાર્થ ખવડાવી ચોરી કરતી ગેંગની રાજસ્થાનથી ધરપકડ
મુખ્ય સૂત્રધાર નરેશે 7 ગુના કબુલ્યા
આ તમામ ધાડપાડુ આરોપીઓ અડાસ ગામે રહેતા નરેશ કટારાના ઘરે આવતા અને રાત્રીના ઇકો ગાડીમાં નરેશ તેઓને આણંદ શહેર તથા વિદ્યાનગર સોસાયટી વિસ્તાર નજીકમાં ઉતારી આવતો હતો અને તેઓ તમામ ચોરીઓ કરી પરત નક્કી કરેલી જગ્યાઓએ આવી જતા ત્યાંથી તેઓને ઇકો ગાડીમાં બેસાડી તેઓ કહે તે મુજબ ઉમરેઠ, ડાકોર કે ઠાસરા સુધી મુકી આવતો હતો. જેની પુછપરછ દરમિયાન આણંદ શહેરમાં તથા વિદ્યાનગર વિસ્તારમાં 6 જગ્યાઓએ ચોરીઓ કરેલાની કબૂલાત કરી હતી. જેમાં...
(1) ગઇકાલ રોજ વહેલી સવારના એ.પી.સી. સર્કલથી એલીકોન ફાટકની નજીકના સોસાયટી વિસ્તારમાં એક બહેનને માર મારી સોનાના દાગીની લૂંટ કરેલાની કબૂલાત કરી હતી.
(2) ગઇકાલ રોજ વિદ્યાનગર મહાદેવ એરીયામાં બંધ મકાનનું તાળુ તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલાની કબૂલાત કરી હતી.
(3) તારીખ 14 માર્ચ 2021ની વહેલી સવારના વિદ્યાનગર પંચાયત નજીક આવેલી સોસાયટી વિસ્તારમાં ચોરી કરવા ગયા તે દરમિયાન પાડોશીઓ જાગી જતાં તેઓને માર મારી રોકડ તથા સોનાના દાગીનાની લૂંટ કરેલાની કબૂલાત કરી હતી.
(4) ઉપરોક્ત ચોરી કર્યાના અઠવાડીયા પહેલા વહેલી સવારના આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલા પેટ્રોલપંપની સામેની સોસાયટી વિસ્તરમાં ચોરી કરવા ગયેલા પરંતુ સોસાયટીના માણસો જાગી જતા પરત જતા રહેલાની કબૂલાત કરી હતી.
(5) આજથી એકાદ મહીના અગાઉ વહેલી સવારના વિદ્વાનગર બાવીસ ગામ સ્કુલની નજીક આવેલી સોસાયટીના બે બંધ મકાનોના દરવાજા તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલાની કબૂલાત કરી હતી.
(6) આજથી દોઢેક મહિના અગાઉ વિદ્યાનગર વિનુકાકા માર્ગ ઉપર બંધ મકાનના દરવાજાનું તાળુ તોડી ચોરી કરેલાની કબૂલાત કરી હતી.
(7) ઉતરાયણના દિવસે વિદ્યાનગર વિસ્તારમાં ચોરી કરવા માટે સોસાયટી વિસ્તારમાં ફરેલા પણ ચોરી કરવાનો મોકો મળ્યો નહોંતો જેથી પરત જતા રહેલાની કબૂલાત કરી હતી.