આણંદઃ જિલ્લાના દેવ વાંટા ગામથી મળતી માહિતી મુજબ મકાન માલિક દ્વારા નેચર હેલ્પ ફાઉન્ડેશનના હેલ્પ લાઇન પર મગર હોવાની જાણકારી અપાઇ હતી. જેથી નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વસોની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મગરને રેસક્યૂ કરવા માટેની કામગીરી કરી હતી.
ઘટના સ્થળ પર તપાસ કરતા મગર ગામના તળાવોમાં આંતરિક સ્થળાંતર કરતા જોવા મળ્યા હતા. જ્યારે ટીમ દ્વારા બીજા તળાવ તરફ સ્થળાંતર કરવા જતાં ગામના ભાભરામ મંદિર પાછળ આવેલા ભુપેન્દ્રસિંહ નટવરસિંહ મહીડાના ઘરની ઓસરીમાં આવી બેસી ગયો હતો. આ મગર આશરે સાડા 12 ફૂટનો હોવાનું જાણવા મળ્યું હતું. મગરને અડધા કલાકની જહેમત બાદ પાંજરે સહી સલામત રીતે પુરવામાં આવ્યો હતો, મગરને પાંજરે પુરી પુનઃ તેના રહેઠાણ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો. આ રેસ્ક્યુ ઓપરેશનમાં નેચર હેલ્પ ફાઉન્ડેશનમાંથી રાહુલ સોલંકી, અલ્કેશ મુરલી, નીકુંજ ભોઈ, પિયુસ પરમાર, ધર્મેન્દ્ર પરમાર, અતુલ પરમાર તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મુખ્ય કામગીરી હતી.
સંસ્થાના પ્રમુખ રાહુલ સોલંકીએ જણાવ્યું કે, દેવાવાંટા ગામમાં ઘણા તળાવો અને કાંસ હોવાથી આંતરિક સ્થળાંતર કરતાં હોય છે. આ આંતરિક સ્થળાંતર દરમ્યાન મગર આશરે 9.30 કલાકે ઘરની ઓસરી પર આવી બેસી ગયો હતો. 'મગરનું ગામ' તરીકે ઓળખાતા આ વિસ્તારમાં મગરનું આવી ચડવુંએ સામાન્ય ઘટના છે. આણંદ જિલ્લામાં ગ્રામજનો પણ જાણે છે કે મગરથી બચીએ અને મગરને બચાવીએ આ સૂત્ર સાથે મગર મિત્ર ગ્રામ તરીકે પણ આ વિસ્તારને ઓળખવામાં આવે છે.