- શક્કરપુર ગામે 14 માં નાણાપંચમાં કરવામાં આવી ગેરરીતિ
- પેટા કોન્ટ્રાક્ટમાં કોઈ કરાર કર્યા વગર કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવી દેવાયા
- તલાટી-કમ-મંત્રી સરપંચ સીધા જવાબદાર બનતા હોવાથી તેઓની સામે પોલીસ ફરિયાદ
આણંદ : નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા બાબતે સ્પષ્ટ હુકમ કર્યાના છ દિવસ બાદ પણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવતા રાજકારણના દબાણવશ થયાની ચર્ચાઓ ખંભાત શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. ખંભાત તાલુકાના શકરપુર ગ્રામ પંચાયતના નાણાપંચના ખાતામાંથી પૂર્વ સરપંચ દિનેશચંદ્ર પટેલ ઉર્ફે બલુન ,તલાટી કમ મંત્રી નરેશભાઈ એમ મકવાણા અને સ્થાનિક કોન્ટ્રાક્ટર ભૌમિક ગજ્જર આ ત્રણેય મિલીભગત રચી, આયોજન વિના એસ્ટીમેટ મંજૂર થાય તે પૂર્વે જ કોઈપણ જાતની કામગીરી કર્યા વગર બેરર ચેક બનાવી લાખો રૂપિયાની સીધેસીધી નાણાંકીય ઉચાપત કરી ગેરરીતિ આચરી હતી.
નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં હુકમ કર્યો
આ અંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં હુકમ કરતાં જણાવ્યું છે કે, ગ્રામ પંચાયત ખાતે 14 માં નાણાપંચ વર્ષ 2015-16 ,અને 2016-17 ના કામોમાં સરપંચ તલાટી કમ મંત્રીએ સદર કામોની વહીવટી મંજૂરી વર્ક ઓર્ડર તેમજ ખર્ચ કરવાની મંજૂરીના હુકમો મેળવ્યા સિવાય રૂપિયા 10,93,418 વધુ ખર્ચ થયેલ જણાય છે. જે હંગામી ઉચાપત ગણી શકાય. તેમજ ગ્રામ પંચાયત શકરપુરએ પેટા કોન્ટ્રાક્ટમાં કોઈ કરાર કર્યા વગર શ્રી ગજ્જર કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવી દેવામાં આવેલ છે. જેથી ઉપરોક્ત કામોમાં નાણાંકીય ઉચાપત કર્યાનું ધ્યાને આવેલ છે. જેથી સદર નાણાંકીય ઉચાપત બાબતે જે તે સમયના તલાટી-કમ-મંત્રી સરપંચ સીધા જવાબદાર બનતા હોવાથી તેઓની સામે પોલીસ ફરિયાદ નોંધી તેની એક FIRની નકલ સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરવા જણાવવામાં આવે છે.તેમજ ગ્રામ પંચાયત ચકાસણી અન્વય રેકર્ડ જપ્ત કરાવી તેમજ જે તે સમયે સરપંચ તલાટી કમ મંત્રીના ફરજનો સમયગાળો સહિતની વિગતો પૂરી પાડવા તાત્કાલિક ધોરણે જણાવાયું છે.
સમય ન મળતા પોલીસ ફરિયાદની કાર્યવાહી કરાઇ નથી : જી.આર.ગોહિલ
શકરપુર ગામના 14 નાણાપંચમાં નાણાંકીય ગેરરીતિ અને ઉચાપત બાબતે લેખિત હુકમ મળ્યો છે. ચકાસણી અને રેકર્ડ જપ્ત કરેલું છે. સમય ન મળતાં પોલીસ ફરિયાદ નોંધાવી નથી. નાયબ ટીડીઓ દ્વારા કરાયેલા હુકમને છ દિવસ ઉપરાંતનો સમય વિતી ગયો હોવા છતાંય પોલીસ ફરિયાદ ક્યારે નોંધાશે? તેના પ્રત્યુત્તરમાં ટીડીઓએ જણાવ્યું કે, એનું ચોક્કસ સમય નક્કી નહીં. ફાઈલો ચકાસી તેનો અભ્યાસ કરી આગળની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, છેલ્લાં બે વર્ષથી જિલ્લા કક્ષાએથી રેકોર્ડ ચકાસણી કર્યા બાદ નાણાપંચમાં થયેલ લાખો રૂપિયાનું કૌભાંડ સીધું જણાઈ આવતા પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કરાયો છે. તેમ છતાંય ભારે રાજકીય દબાણ હેઠળ ટીડીઓ સમય ન મળવાનો અને ફાઇલનો અભ્યાસ કરવાનું જણાવી, કાર્યવાહીમાં વિલંબ કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.