આશરે પાંચ દાયકા પહેલાં 1972માં ચારુતર આરોગ્ય મંડળની સ્થાપના ભૂતપૂર્વ ગૃહ અને નાણા પ્રધાન સ્વ. ડૉ. એચ.એમ. પટેલ દ્વારા પીડિતોને સાંત્વના આપવા, દર્દીની સંભાળને પ્રાથમિકતા આપવા કરવામાં આવી હતી. તેમજ ગુજરાતના લોકોને પરવડે તેવા દરે આરોગ્યની સેવા પ્રદાનના ઉદ્દેશથી કરવામાં આવી હતી. 100 એકરના હરિયાળા કેમ્પસમાં ટ્રસ્ટ મુખ્ય 4 પ્રવૃત્તિઓ કરે છે. જેમાં શિક્ષણ, દર્દીની સંભાળ, સંશોધન અને જાહેર આરોગ્યનો સમાવેશ કરવામાં આવે છે.
ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો શ્રેષ્ઠ શૈક્ષણિક તબીબી કેન્દ્ર તરીકે ઓળખ બનાવવામાં મદદ કરશે. આ ઓળખ વિદ્યાર્થીને સમાન સંસ્થામાંથી ડિગ્રી મેળવવામાં સક્ષમ બનાવશે. વિદ્યાર્થીઓને ક્લિનિકલ શિક્ષણ 900 પથારી ધરાવતી શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં આપવામાં આવે છે.
જેમાં દર વર્ષે 5 લાખ બહારના દર્દીઓ અને ૪૫ હજારથી વધુ અંદરના દર્દીઓને સારવાર આપવામાં આવે છે. સંસ્થાના વિવિધ રિસર્ચ પ્રોજેક્ટ માટે વિજ્ઞાન અને તક્નીકી મંત્રાલયની માન્યતા પણ મળેલી છે. જાહેર આરોગ્ય માટે વિસ્તરણ કાર્યક્રમ હેઠળ લોકસમુદાયને ઘરઆંગણે આરોગ્યની સેવા મળી રહે તે માટે વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. ભાઇકાકા યુનિવર્સિટીમાં 57 અભ્યાસ ક્રમોના શૈક્ષણિક સંકુલ, કૉલેજોનો સમાવેશ થાય છે.
ચારુતર આરોગ્ય સંસ્થાની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રમુખસ્વામી મેડિકલ કૉલેજ, જી.એચ.પટેલ સ્કૂલ ઓફ નર્સિંગ, એલ.પી. પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ મેડિકલ લેબોરેટરી, એચ.એમ. પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ, કે.એમ. પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ફિઝિયોથેરાપી, જી.એચ. પટેલ કૉલેજ ઓફ નર્સિંગ, સી.એ.એમ. ઈન્સ્ટટ્યિૂટ ઓફ એપ્લાઈડ હેલ્થ સાયન્સીસનો સમાવેશ થાય છે.
તમામ શૈક્ષણિક સંકુલો-કૉલેજો ભાઈકાકા યુનિવર્સિટી હેઠળ આવરી લેવામાં આવશે. હાલમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ હેઠળ 57 અભ્યાસક્રમોમાં 1300 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આગામી 10 વર્ષના ગાળામાં 87 અભ્યાસ ક્રમોનો સમાવેશ કરીને 4500થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ગુણવત્તાવાળું શિક્ષણ પ્રદાન કરવાનો હોવાની મંડળના સદસ્યોએ કટિબદ્વતા વ્યકત કરી છે.