આણંદ : સમગ્ર વિશ્વ જ્યારે કોવિડ-19 જેવા ભયંકર વાઈરસ સામે લડી રહ્યું છે. ભારત સરકારે પણ આ વાઈરસને ફેલાતો અટકાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં દેશને 21 દિવસ માટે લોકડાઉન કરાયો છે. અચાનક દેશમાં કરેલી આ જાહેરાત થકી નાગરિકોએ સરકારના એલાનને સમર્થન તો આપ્યું છે. પરંતુ બીજી તરફ એવા હજારો પરિવાર છે જે રોજનો રોટલો રળી જીવન વ્યતીત કરતા હતા જેમને આજે એક ટાઈમના જમવાની પણ તકલીફ પડી રહી છે, પરંતુ આણંદ જિલ્લાના આવા શ્રમજીવી પરિવારોને પડખે એક દાનવીર આવીને ઊભા રહ્યા છે.
દેશમાં જાહેર કરેલા લોકડાઉનની પરિસ્થિતિમાં સરકાર દ્વારા લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ત્યારે છુટક મજુરી કરી જીવન ગુજરાન ચલાવતા અનેક પરિવારોને આર્થિક ભીંસના કારણે જીવન જરૂરી ખોરાક મળવો પણ મુશ્કેલ બની જતો હોય છે.
એવા શ્રમજીવી પરિવારના પડખે આવીને આણંદના એક બિઝનેસમેન દ્વારા લાખોના ખર્ચે હજારો ફુડ પેકેટ તૈયાર કરાવી નિશુલ્ક તેનું વિતરણ હજારો જરૂરિયાતમંદોને કરી આ સંકટના સમયે તેમના શુભચિંતક બન્યા છે.
આ દાનવીર નું નામ છે તાજદિન હસનઅલી હાલાણી ઉર્ફે રાજુભાઇ હાલાણી જેઓ એક બિઝનેસમેન છે. તેમની આવકના 30 ટકા રકમ સમાજના ઉત્થાન માટે ખુલ્લા હાથે દાન કરે છે. સમૂહ લગ્ન હોય કે ક્ષીક્ષણ માટે જરૂર હોય ગરીબો માટે કે પછી કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ રાજુભાઇ દરેક વ્યક્તિને યથા યોગ્ય મદદ કરી તેમને મદદરૂપ બને છે.
હાલાણી એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના નામે પોતે એક સંસ્થા ચલાવે છે. વળી આ ટ્રસ્ટમાં પણ તેઓ પોતાના પરિવાર ના સભ્યો નું જ દાન સ્વીકારે છે બહાર ન કોઈ પણ દાતા હાલાણી ટ્રસ્ટ માં દાન કરી શકતા નથી. મૂળ ખોજા સમાજ માંથી આવતા રાજુભાઇ આગાખાન સંપ્રદાયના પ્રખર અનુઆયી છે.
દેશમાં મહામારીની સામે લડવા 21 દિવસનું લોકડાઉન જાહેર થયું છે ત્યારે રાજુભાઇ દ્વારા 30 લાખના ફૂડ પેકેટનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવનાર છે.
આ સંદર્ભે રાજુભાઈ હાલાણી એ જણાવ્યું હતું કે, દેશમાં ચાલી રહેલી મહામારી સામે લડત આપવા સરકારે 21 દિવસના બંધની જાહેરાત કરી છે. પરંતુ રોજ છુટક મજુરી કરી જીવન નિર્વાહ કરનાર પરિવારોને આ 21 દિવસ દરમિયાન મજૂરી નહીં મળે. તેમના પરિવારનું ભરણપોષણ નહીં કરી શકે તેથી હાલાણી ટ્રસ્ટ દ્વારા 30 લાખના ખર્ચે ગરીબ અને જરૂરીયાત મંદોને મદદરૂપ થવા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવનાર છે. દાળ, ચોખા, તેલ, મસાલા, ચા, ખાંડ, મીઠા સાથેના આ ફુડ પેકેટ એક પરિવારને આરામથી 10 થઈ 15 દિવસ સુધી ચાલે તેમ છે. જેથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ખાવા માટે તકલીફ ન પડે.
રાજુભાઈ દ્વારા આરોગ્ય ખાતામાં પણ 25 હજારથી વધુ માસ્ક અને એક હજારથી વધુ N95 માસ્કનું દાન કરવામાં આવ્યું છે. જેથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ આ ભયાનક વાઈરસ સામે સુરક્ષિત રહે અને કોરોના સામેની લડતમાં મહત્તમ યોગદાન આપી શકે.