આણંદઃ સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા જ્યારે દૂધને સંપૂર્ણ આહાર તરીકે WHOએ માન્યતા આપી, ત્યારે વિશ્વમાં દૂધ અને તેના ખોરાકને સ્વીકારવા માટે લોકોને જાગૃત બનાવવા ગત 20 વર્ષથી વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે વિશ્વ દૂધ દિવસની 20મી વર્ષગાંઠ સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે, ત્યારે ભારતમાં દૂધ અને દૂધમાં થયેલી શ્વેત ક્રાંતિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
ETV BHARAT સાથેની વાતચીતમાં અમૂલ ડેરીના ડિરેક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે, દૂધને સંપૂર્ણ ખોરાક તરીકે WHOએ માન્યતા આપી છે. જેથી ગત 20 વર્ષથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ભારતે દૂધ અને તેના ઉત્પાદન માટે નોંધનીય કામગીરી કરી છે. જેનો સંપૂર્ણ શ્રેય શ્વેત ક્રાંતિના પ્રણેતા અને અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલને જાય છે. ડેરીના ડિરેક્ટરે અમૂલના શરૂઆતના દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે, ફક્ત ગણતરીના ખેડૂતો સાથે શરૂ કરવામાં આવેલી અમૂલ ડેરી આજે 36 લાખ લોકોનું એક પરિવાર બની ચૂકી છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-worldmilkdsy-amul-director-demand-for-give-bharat-ratn-to-founder-of-amul-exclusive-7205242_01062020193845_0106f_03124_371.jpg)
વર્તમાન પરિસ્થિતિમાં લોકડાઉન દરમિયાન અમૂલ દ્વારા દૈનિક 120 કરોડ જેટલી માતબર રકમ પશુપાલકો સુધી પહોંચાડી મહામારીની બિમારીમાં પણ પશુપાલકને આર્થિક રીતે મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. આ સમગ્ર શક્ય બનવા પાછળ અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની દીર્ઘદ્રષ્ટિ જવાબદાર છે.
અમૂલ અને સહકારી માળખા થકી દૂધની ડેરી ચાલુ કરી ચરોતર અને ગુજરાતમાં શ્વેત ક્રાંતિ લાવનારા ત્રિભુવનદાસ પટેલ દ્વારા સ્થાપિત ઘણી સંસ્થાઓ આજે વિશ્વ સ્તરીય કામગીરી કરી રહી છે. જેમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, કૈરા દુધ ઉત્પાદન મંડળી, ત્રિભુવનદાસ ફાઉન્ડેશન, ગુજકો માર્સલ વગેરે સંસ્થાઓ આજે પણ ત્રિભુવનદાસ પટેલની દીર્ઘદ્રષ્ટા કોણની ઉપજ સમી છે.
એશિયાનું સૌથી મોટું NGO ત્રિભુવનદાસ પટેલ ફાઉન્ડેશન અંદાજે 600 કરતાં વધુ ગામડાઓમાં મહિલાઓ અને બાળકોને આરોગ્ય લક્ષી સેવાઓ આપી વિશ્વ સ્તરે એક અજોડ ઉદાહરણ પૂરું પાડે છે. જેની સ્થાપના ત્રિભુવનદાસ પટેલ દ્વારા વર્ષ 1970માં કરવામાં આવી હતી અને આજે પણ આ સંસ્થા મહિલાઓ અને બાળકોના આરોગ્ય શિક્ષણ માટે નોંધનીય કામગીરી કરી રહી છે.
ત્રિભુવનદાસ પટેલના યથાર્થ પ્રયત્નોથી ચાલુ થયેલી અમૂલ ડેરી તથા ત્રિભુવનદાસ ફાઉન્ડેશનની સરકારે નોંધ લઇ તેમને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવામાં આવે તેવી તેજસ પટેલે ભારત સરકારને અપીલ કરી છે.
ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં તેજસ પટેલે જણાવ્યું હતું કે, દેશમાં વર્તમાન સમયમાં ચાલી રહેલા લોકડાઉન દરમિયાન અમૂલ ડેરીના સહકારી માળખાએ સાબિત કરી બતાવ્યું છે કે, ત્રિભુવનદાસ પટેલ દ્વારા સ્થાપિત 1,200 સહકારી મંડળીઓ થકી બનેલી અમૂલ ડેરી વૈશ્વિક મહામારી વચ્ચે પણ ઉત્તમ કામગીરી કરી શકે છે. આ શક્ય બનવા પાછળનું એક મહત્વનું કારણ ત્રિભુવનદાસ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલું સહકારી માળખું છે. જે ખૂબ મજબૂત અને ક્ષતિરહિત છે અને આના કારણે જ કોરોના પ્રકોપમાં પણ અમૂલ ડેરી દેશમાં અવિરત દૂધ અને તેની બનાવટો દેશવાસીઓ સુધી પહોંચાડવામાં સક્ષમ નીવડી શકી છે. જેથી સરકારે આની નોંધ લઇ અમૂલ ડેરીના સ્થાપક અને શ્વેત ક્રાંતિના પ્રેરણાસ્ત્રોત સ્વર્ગીય ત્રિભુવનદાસ પટેલને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવું જોઈએ.