માહિતી પ્રમાણે, આણંદ જિલ્લાના વાસદ ગામના રહેવાસી પાવન મયુરકુમાર પારેખ તથા પરમ મયુરકુમાર પારેખે રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ક્રમશઃ પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. નોંધનીય છે કે, 2 સગા ભાઈઓમાં પાવન પારેખને 99.99 પર્સન્ટાઇલ અને પરમ પારેખને 99.99 પર્સન્ટાઇલ સાથે રાજ્યમાં પ્રથમ અને દ્વિતિય સ્થાને ઉત્તીર્ણ થઈ તેમના માતા-પિતા અને શાળાનું નામ રોશન કર્યું છે. બીજી તરફ મેમન આફતાબ ઈલિયાસભાઈ નામનો વિદ્યાર્થી પણ રાજ્યમાં 7માં ક્રમે ઉત્તીર્ણ થયો છે. જે પોતે મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી આગળ વધારવા માંગે છે. આ ત્રણેય બાળકો નોલેજ વિદ્યાલયના વિદ્યાર્થી છે.
રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર પાવન પારેખ A-1 ગ્રેડ સાથે 99.99 pr અને કુલ 650 માંથી 624 ગુણ પ્રાપ્ત કર્યા છે. જેમાં ગુજકેટમાં 102.5, કેમેસ્ટ્રીમાં 93, ફિઝિક્સમાં 99 અને ગણિતમાં 100 ગુણ પ્રાપ્ત કરી પ્રથમ સ્થાન મેળવ્યુ છે. સાથે જ પરમ પારેખ A-1 ગ્રેડ સાથે 99.99 pr મેળવ્યા છે. જેમાં તેમને ગુજકેટમાં 112, ફિઝિક્સમાં 95, કેમેસ્ટ્રીમાં 95, ગણિતમાં 98 માર્ક્સ મેળવી રાજ્યમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.