આણંદ : કોઇપણ ભોગે વિદેશ જઈને સેટલ થવા શોર્ટ કટ અપનાવવા જતાં છેતરઇ જવાની ઘટનાઓ અવારનવાર સાંભળવા મળતી હોય છે. તેવો આ કિસ્સો આણંદમાંથી સામે આવ્યો છે. આણંદ એસઓજી પોલીસે આણંદ ભાલેજ રોડ પર આવેલ જકાતનાકા વિસ્તારમાં આવેલા હાફેજ કોમ્પલેક્સના પહેલા માળે આવેલી નેક્સ્ટ ડેસ્ટીનેશન નામની વિઝાની ઓફિસમાંથી બનાવટી દસ્તાવેજો દ્વારા યુકેના સ્ટુડન્ટ વિઝાના નામે છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે.
ખોટા સ્ટુડન્ટ વિઝાના સ્ટીકરો મારી છેતરપિંડી : આણંદ SOG પોલીસે મામલાને લઇ આણંદ શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને બાતમી મળી હતી કે નેક્સ્ટ ડેસ્ટીનેશન નામે વિઝાની ઓફિસ ધરાવતો સકલેન ઉર્ફે અમન સારીકશા દિવાન યુકેના સ્ટુડન્ટ વિઝા કરાવવાના નામે બનાવટી ઓફર લેટર તેમજ પાસપોર્ટ ઉપર યુકેના ખોટા સ્ટુડન્ટ વિઝાના સ્ટીકરો મારીને છેતરપિંડી કરે છે. જેને પગલે આણંદ પોલીસે તપાસ શરૂ કરતા સકલેન ઉર્ફે અમન ઝડપાયો હતો. પોલીસે તેની ઝીણવટપૂર્વક તપાસ કરતા ઓફિસમાંથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યાં હતાં.
ફી અને ટિકીટના નાણાં પડાવ્યાં : યુકે વિઝાના નામે છેતરપિંડીના આ કેસમાં જે વિગતો મળી છે પ્રમાણે વીરસદ ખાતે રહેતા કૃપલ બિપીનભાઈ કાછીયાને અભ્યાસ માટે લંડન જવું હતું. ત્યારે આરોપીએ ઓક્ટોબર-2022માં 10 લાખ ફી થશે અને તેમાં જેમાં ફ્લાઈટની ટિકીટનો પણ સમાવેશ થઈ જશે તેમ જણાવ્યું હતુ. ત્યારબાદ થોડા સમય પછી દસ્તાવેજોની પીડીએફ ફાઈલ અને વિઝા ફીના પૈસાની માગણી કરતા 50 હજાર રૂપિયા ગૂગલ પેથી મોકલી આપ્યા હતાં.
બોગસ વિઝા લેટર જણાયો : એકાદ માસ બાદ સકલેને તમારો ઓફર લેટર આવી ગયો છે તેમ જણાવીને યુનિવર્સિટીની ફી ભરવાની હોઇ, 2 લાખ રુપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતુ. ઓફર લેટર પણ વ્હોટ્સએપ પર મોકલી આપતાં કૃપલને વિશ્વાસ બેસતાં તેણે બે લાખ રોકડા સકલેનને તેની ઓફિસે જઈને આપ્યાં હતાં. ત્યારબાદ અલગઅલગ બહાને થઈને કુલ 8.50 લાખ રૂપિયા સકલેને મેળવી લીધા હતાં. ફેબ્રુઆરી 2023માં સકલેને યુકેના વિઝા આવી ગયા હોવાનું જણાવીને વિઝા સ્ટેમ્પ લગાવેલ પાસપોર્ટ સાથે પરત આવ્યો હતો. જેમાં શંકા જતા બીજા દિવસે સકલેનની ઓફિસે ગયાં હતાં. જ્યા સકલેને ચિંતા ના કરો તમે જાવ, કોઈ રોકશે નહીં, તથા પકડાશો નહીં, મારું બધે સેટિંગ છે તેમ જણાવ્યું હતું. પરંતું કૃપલે તપાસ કરતાં બોગસ વિઝા લેટર હોવાનું ખુલવા પામ્યું હતું.
અન્ય લોકો સાથે પણ છેતરપિંડી : આ સિવાય સકલેન ઉર્ફે અમને વાસદ ખાતે રહેતા અક્ષર પ્રિતેશકુમાર કા. પટેલ, નાવલી ગામે રહેતા નેહાબેન કા. પટેલ તેમજ વૃંદાબેન કા. પટેલ સાથે પણ ખોટા ઓફર લેટરો બનાવીને તેમની પાસેથી પણ લાખો રૂપિયા પડાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.
વિઝા છેતરપિંડીમાં પકડાયેલા સકલેન ઉર્ફે અમનની વિધિવત ધરપકડ કરીને આણંદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટ દ્વારા વધુ તપાસ અર્થે બે દિવસના રીમાન્ડ પર સોંપવામાં આવ્યો હતો. રીમાન્ડ દરમ્યાન તેણે આ યુકેના બોગસ ઓફર લેટર અને પાસપોર્ટ લગાવેલા વિઝાના બનાવટી સ્ટીકરો કડીના જયેશ પટેલ નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે જયેશ પટેલને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે...જે. જે. ચૌધરી (ડીવાયએસપી)
ત્રણ વર્ષથી વિઝા બનાવતો હતો : સકલેન ઉર્ફે અમન છેલ્લા અઢી ત્રણ વર્ષથી નેક્સ્ટ ડેસ્ટીનેશનના નામે વિઝાની ઓફિસ ખોલીને બનાવટી વિઝાનું કામકાજ કરતો હતો.ત્યારે હવે આણંદ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં આ બનાવટી વિઝા સ્ટીકરોના આધારે કોઈ વિદેશ તો નથી જતું રહ્યું ને તે દિશામાં સઘન તપાસ હાથ ધરાઈ છે.