આણંદ : રાજ્યમાં હવે પેપર ફૂટવાની વાતની કોઈ નવાઈ રહી નથી. એક બાદ એક જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને યુનિવર્સિટીના પેપર ફૂટ્યાની ઘટનાઓ સતત સામે આવતી રહેતી હોય છે. પરંતુ તેનાથી વિપરીત આણંદમાં આવેલી મોગરી ગામે ખાનગી શૈક્ષણિક સંસ્થાના ધોરણ આઠના પેપર ફૂટ્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચક્કર મચાવી દીધી છે.
શું છે સમગ્ર મામલો : મળતી માહિતી મુજબ જ્ઞાનયજ્ઞ શાળાના ધોરણ આઠના તમામ વિષયના પેપર સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા હતા. જેને લઇને બુધવારે બપોરના સમયે અચાનક મોગરીની જ્ઞાનયજ્ઞ શાળામાં વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. પેપર સોશિયલ મીડિયામાં ફરતા હોવાની વાત સંચાલકોના ધ્યાને આવતા સંસ્થા દ્વારા ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ માટે પુનઃ પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના વિરોધમાં વાલીઓ સંસ્થામાં ઘસી ગયા હતા. એક તરફ શાળા સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારતા પરીક્ષા પુનઃ યોજવા માટે વાલીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે બીજી તરફ વાલીઓ દ્વારા મંડળની ચુકના કારણે વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવા માટે મજબૂર ન કરવા સલાહ આપવામાં આવી હતી.
આ પણ વાંચો : Junior Clerk Exam 2023 : જુનિયર કલાર્કની પરીક્ષા થઈ પૂર્ણ, પેપર લીક ન થતા ઉમેદવારોએ લીધો રાહતનો શ્વાસ
પરીક્ષાનું નિયમન મંડળ : બંને પક્ષે ચાલેલી ઉગ્ર રજૂઆતોના અંતે મામલો પુનઃ પરીક્ષા યોજવા પર અને પરીક્ષા ન યોજવા પર અટવાયેલો રહ્યો હતો. સમગ્ર ઘટના અંગે ETV Bharat દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા રજા પર હોવાનું જણાવીને પોતાની ફરજ પરથી દૂર રહેવાનો પ્રયત્ન કરતા હોય તેમ જવાબ આપ્યો હતો, તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર શાળાનું સંચાલન પરીક્ષાનું નિયમન જે તે મંડળ કરે છે. જેમાં સરકારી વિભાગનું કોઈપણ પ્રકારનું સીધુ ઇન્વોલ્વ મેન્ટ હોતું નથી. ત્યારે સમગ્ર મામલે હવે મંડળ કક્ષાએ લેવામાં આવેલો નિર્ણય અત્યારે ફાઇનલ કહી શકાય. તો બીજી તરફે વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને કોઈપણ જાતની લેખિત કે મૌખિક ફરિયાદ ન આવી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં સ્વીકાર્યું હતું.
આ પણ વાંચો : Junior Clerk Exam 2023: નવો કાયદો બન્યા પછી જુનિયર કલાર્કની પહેલી પરીક્ષા, સરકારની પ્રતિષ્ઠા દાવ પર
વિદ્યાર્થીઓમાં હતાશા : મહત્વનું છે કે, જ્યારે પણ આ રીતના પેપર ફૂટવાની ઘટના અને ત્યારબાદ લેવાતા પગલામાં હંમેશા વિદ્યાર્થીઓની કરેલી મહેનત પર પાણી ફરી મળતું હોય છે. તેવા કિસ્સામાં આણંદના મોગરી સ્થિત જ્ઞાનયજ્ઞ શાળામાં બનેલા આ કિસ્સામાં ધોરણ આઠના વિદ્યાર્થીઓની મહેનત પર પણ આવું જ થયું છે. ત્યારે હાલ આ સમગ્ર મામલાને લઈને વિદ્યાર્થીઓમાં હતાશા ફેલાતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.