- આણંદ નગરપાલિકાની પ્લાસ્ટિકના વેપારીઓ પર કાર્યવાહી
- નગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 125 કિલો જથ્થો જપ્ત કર્યો
- ગણેશ ચોકડી પાસે બાલાજી પ્લાસ્ટિક દુકાનમાંથી મળ્યું પ્લાસ્ટિક
આણંદઃ પર્યાવરણની જાળવણી માટે સરકાર દ્વારા નિશ્ચિત માઈક્રોનથી ઓછી ગુણવત્તા ધરાવતા પ્લાસ્ટિકને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. છતાં બજારમાં ઘણી દુકાનોમાં આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકમાં વસ્તુનું વેચાણ થતું હોવાની ઘટના અવારનવાર બનતી સામે આવે છે. આણંદમાં પણ એક વેપારી દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ થતું હોવાની બાતમી નગરપાલિકાના કર્મચારીઓને મળી હતી, જેમાં તાપસ કાર્યવાહી હાથ ધરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો વેપારી પાસેથી મળતા તેને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.
આખા વર્ષમાં આણંદ નગરપાલિકાએ 1150 કિલોનો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો
આણંદ નગર પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલના જણાવ્યા અનુસાર, આણંદ શહેરમાં અત્યાર સુધી વિવિધ 80 જગ્યાઓ પર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં આજદિન સુધી કુલ 1150 કિલોગ્રામ જેટલો મોટો જથ્થા નગરપાલિકાએ જપ્ત કરી વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે, જેની અંદાજીત કિંમત રૂ. 65 હજાર રૂપિયા જેટલી છે.