આણંદઃ જિલ્લા LCB પોલીસે સોજીત્રા, ડભોઉ તથા તારાપુરમાં પાન મસાલા ગુટખાની હોલસેલ દુકાનો તથા ગોડાઉનમાં થયેલી ચોરી અંગે CCTC કેમેરાના ફુટેજની ચકાસણી હાથ ધરી હતી. જેમાં એક કાર શંકાસ્પદ જણાઈ હતી. જેથી પોલીસે તપાસ કરતા સામરખા ગામનો જીજ્ઞેશ ઉર્ફે જીગો ગોરધનભાઈ રાઠોડ અને કરમસદનો મુકેશ બાલી કાર લઈને ચોરીઓ કરતા હોવાની માહિતી મળી હતી.
આ દરમિયાન જીજ્ઞેશ ઉર્ફે જીગો તથા મુકેશ બાલી પોતાના સાગરીત સાથે ચોરીનો માલ વેચવા માટે લાંભવેલ જવાના હોવાની બાતમીના આધારે LCB પોલીસે લાંભવેલ રોડ પર જોગણી માતાના મંદિર નજીક વોચ ગોઠવી હતી. જે દરમિયાન જગદીશ ઉર્ફે જીગો, મુકેશ ઉર્ફે બાલી અને જયેશભાઈ સોઢા પરમાર કાર લઈને આવતા પોલીસે કારને રોકી ત્રણેયને ઝડપી લીધા હતા.
જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગત
- જુદી જુદી બ્રાન્ડના બીડીના પેકેટ
- તમાકુ અને મસાલાના પેકેટ
- પાન મસાલાના અને સોપારીના પેકેટ
- 900 રૂપિયા રોકડા
- મોટુ ડિસ્મિશ અને પક્કડ
- કાર
આ ઈસમોની કારની તલાસી લેતા કારમાંથી જુદી જુદી બ્રાન્ડના બીડીના પેકેટ, તમાકુ અને મસાલાના પેકેટ, પાન મસાલાના અને સોપારીના પેકેટ, 900 રૂપિયા રોકડા તેમજ મોટુ ડિસ્મિશ અને પક્કડ, નાની બેટરીઓ મળી આવતા પોલીસે કાર સાથે કુલ 2.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તેઓની અટકાયત કરી LCB કચેરીમાં લાવી પુછપરછ કરતા તેમને છેલ્લા 3 માસમાં ખેડા અને આણંદ જિલ્લામાં 13 ચોરીઓ કરી હોવાની કબુલાત કરી છે