આણંદઃ પ્રાપ્ત વિગતો અનુસાર ગુરૂવારના રાત્રી આણંદ જિલ્લામા પેટ્રોલીંગ કરી રહેલી એસઓજી પોલીસને હકીકત મળી હતી કે, સીલ્વર કલરની એક અલ્ટો કારમાં મોટાપાયે નશીલા દ્રવ્યની હેરાફેરી થનાર છે અને આ કાર બોરસદથી વાયા ધર્મજ ચોકડી થઈને તારાપુર તરફ જનાર છે. જેના આધારે પોલીસની ટીમ ધર્મજ ચોકડીએ ગુપ્ત રીતે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન એક સીલ્વર કલરની અલ્ટો કાર નંબર જીજે-18, AH-9850ની આવી ચઢતાં પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડી હતી. પોલીસે તપાસ કરતાં ડ્રાયવરની બાજુની સીટના આગળના ભાગે એક વિમલનો કાપડનો થેલો મળી આવ્યો હતો. જેની ચેઈન ખોલીને જોતા ટુકડા સ્વરૂપે વનસ્પતિ જેવો કાળા ભુખરા કલરનો પદાર્થ મળી આવ્યો હતો.
જેથી એફએસએલને ઘટનાની જાણ કરતાં તેઓ નાર્કો કીટ લઈને પહોંચી ગયા હતા અને પકડાયેલો પદાર્થ ચકાસીને તે ગાંજો હોવાનું જણાવ્યું હતુ. જેથી તેનું વજન કરતાં 10.100 કિલોગ્રામ જેટલો થવા પામ્યો હતો. જેની કિંમત 1,01,000 જેટલી થવા જાય છે. પોલીસે કારમાંથી પકડાયેલા બન્ને શખ્સોના નામ પૂછતાં તેઓ ભાવનગરના કાદરભાઈ લતીફભાઈ અહેમદાણી (મેમણ) તેમજ અફઝલભાઈ ઉર્ફે અબુ દિલાવરભાઈ સમા હોવાનું ખુલવા પામ્યું હતુ. તેઓની પ્રાથમિક પૂછપરછ કરતાં આ ગાંજાનો જથ્થો સુરતથી લઈને ભાવનગર જતા હોવાનું ખુલવા પામ્યું છે. તેઓની અંગજડતી કરતાં રોકડા 3400, બે મોબાઈલ ફોન વગેરે મળી આવ્યું હતુ. જે તમામ સાથે કુલ 1,55,400નો મુદ્દામાલ જપ્ત કરીને બન્ને વિરૂદ્ઘ પેટલાદ રૂરલ પોલીસ મથકે એનડીપીએસ ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરાવીને વધુ તપાસ તારાપુરના સીપીઆઈ ચૌહાણને સોંપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મુખ્ય સુત્રધાર કાદરભાઈ પહેલા 1 કિલો ગાંજો લાવ્યો હતો. જે અંગે પ્રાપ્ત માહિતી મુજબ એસઓજી પોલીસે 10.1 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડેલા ભાવનગરના કાદરભાઈ લતીફભાઈ અહેમદાણી (મેમણ) અને અફઝલભાઈ ઉર્ફે અબુ દિલાવરભાઈ મુસાની તપાસ કરતા તારાપુરના સીપીઆઈ ડી. જી. ચૌહાણે પુછપરછ કરતાં મુખ્ય સુત્રધાર કાદરભાઈ અગાઉ સુરત જઈને એક કિલો ગાંજો લઈ આવ્યો હતો અને તેને છુટકમાં વેચતો હતો. ત્યારબાદ તેને લાલચ જાગતાં કાર લઈને સુરત ગયો હતો અને 10 કિલો ઉપરાંતનો ગાંજો લઈને આવતા પકડાયો હતો.