આણંદઃ શહેરમાં નાગરિકોને રખડતાં અને કરડતાં કુતરાઓ બચકા ભરી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં જ સરકારી ચોપડે 118 નાગરિકોને કુતરાઓ કરડી ચૂક્યા છે. આણંદ જનરલ હોસ્પિટલમાં આ દર્દીઓને સારવાર અપાઈ છે. આ સરકારી આંકડા છે તો ખાનગી દવાખાનામાં સારવાર લેતા, નાની ઈજા થતા સારવાર ન લેતા હાથવગા ઉપાયો અજમવાતા શહેરીજનોની સંખ્યાની તો કલ્પના જ કરવી રહી. આ સમસ્યામાં આણંદ નગર પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
છેલ્લા 3 મહિનાના આંકડાઃ શ્વેત નગરી તરીકે ઓળખાતા આણંદના માર્ગો કુતરા કરડવાને લીધે શહેરીજનોના રક્તથી લાલ બની રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાની વાત કરવામાં આવે તો આ આતંક તેની ચરમસીમા વટાવી ચૂક્યો છે. ઓક્ટોબરમાં 260, નવેમ્બરમાં 289 અને ડિસેમ્બરમાં આજના દિવસ(11 ડિસેમ્બર) સુધી કુલ 118 નાગરિકોને કુતરાએ કરડી ખાધા છે. આ આંકડાની સરેરાશ કાઢવામાં આવે તો દરરોજ 10થી વધુ નાગરિકોને કુતરા કરડી રહ્યા છે. જે ખરેખર ચિંતા જનક છે.
દિવસ દરમિયાન 8થી 10 જેટલા દર્દીઓ આણંદ જનરલ હોસ્પિટલમાં કુતરા કરડવાની સારવાર માટે આવે છે. જેમાં ત્રણ પ્રકારના બાઈટને અનુરૂપ સારવાર આપવામાં આવે છે. જ્યારે પણ કોઈ પ્રાણી કરડે ત્યારે બને તેટલો જલદી ઘાને ડિટરજન્ટ અને પાણીથી ધોઈ ને ઝડપી ડોક્ટરની સારવાર મેળવી લેવી...ડૉ. સુધીર પંચાલ(આરએમઓ, આણંદ જનરલ હોસ્પિટલ)
આણંદ શહેરમાં 7000 જેટલાં રખડતાં કુતરા છે. જેને માટે આગામી દિવસોમાં વિદ્યાનગરની એક સંસ્થા કામ સોંપીને આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. પાલિકા કુલ 2 કરોડનો ખર્ચ કરશે. જેમાંથી રાજ્ય સરકાર તરફથી 15 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે જ્યારે બાકીનો ખર્ચ સ્વભંડોળમાંથી કરવામાં આવશે... એસ. કે. ગરિવાલ(સીઓ, આણંદ નગર પાલિકા)
વિપક્ષનો ટોણોઃ આણંદ નગર પાલિકાના વિપક્ષ નેતાએ સત્તા પક્ષ આ બાબતે નિષ્ક્રિય હોવાનો આરોપ લગાવ્યો છે. આણંદના નાગરિકોએ પોતાની સલામતિ જાતે જ કરવી પડશે. વૃદ્ધો અને નાના બાળકો સાથે નીકળીએ ત્યારે સાથે કુતરા ભગાડવા સાધન હાથવગુ રાખવાની સલાહ પણ વિપક્ષ નેતા આપી રહ્યા છે. જો કે વિપક્ષ નેતાએ શહેરીજનોને આ સલાહ આપીને સત્તા પક્ષને ટોણો પણ માર્યો છે.
આણંદ નગર પાલિકામાં સત્તા પક્ષ જે એજન્સી સાથે મળીને કોઈ કાર્ય કરે ત્યારે ખરી. ત્યાં સુધી નાગરિકોએ જાતે જ સાવચેત અને સલામત રહેવું પડશે. એકલ દોકલ વડીલો અને બાળકો સાથે નીકળતા પરિવારે નગર પાલિકા પર ભરોસો કરવાને બદલે કુતરા ભગાડવા સાધન હાથવગું રાખીને નીકળવું...ડૉ. જાવેદ વ્હોરા(વિપક્ષ નેતા, આણંદ નગર પાલિકા)