- જિલ્લામાં ટીકાકરણ મહોત્સવનો આરંભથી અત્યાર સુધીમાં 5.60 લાખ લોકોને રસીકરણ કરાયું
- આણંદ નગરપાલિકાના ચોપડે ગત માર્ચ માસમાં 177 જેટલા મૃતકોની સત્તાવાર નોંધણી થવા પામી
- શહેરમાં દરરોજ સરેરાશ 10 જેટલા પોઝિટિવ કેસો આવી રહ્યા છે
આણંદઃ જિલ્લાના વડા મથક આણંદ નગરપાલિકાના ચોપડે ગત માર્ચ માસમાં 177 જેટલા મૃતકોની સત્તાવાર નોંધણી થવા પામી છે. જે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાના મૃત્યુઆંક કરતા વધારે હોવાનું કહેવાઈ રહ્યું છે. એપ્રિલની શરૂઆતમાં પણ દરરોજે ચારથી-પાંચ જેટલી મૃત્યુની નોંધણી થઈ રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.
ચૂંટણીઓ બાદ છેલ્લાં ૧૫ દિવસથી કોરોનાએ માથુ ઉંચકયું
આણંદ શહેર એ જિલ્લાનું મુખ્ય સેન્ટર છે અને અહીંની કેટલીક ખાનગી હોસ્પીટલોને કોવિડ સેન્ટરોમાં ફેરવી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ છેલ્લાં 15 દિવસથી કોરોનાએ માથુ ઉંચકયું છે. શહેરમાં દરરોજ સરેરાશ 10 જેટલા પોઝિટિવ કેસો આવી રહ્યા છે. શહેરની મોટાભાગની કોવિડ હોસ્પિટલો કોરોના સંક્રમિત દર્દીઓથી ઉભરાઈ રહી છે. વળી બીજા તબક્કાનો આ કોરોના વાઇરસ અતિ ઘાતક અને ચેપી છે. સંક્રમણની સાથે સાથે મૃત્યુદરમાં પણ વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ પોરબંદર જિલ્લામાં 1 એપ્રિલથી રસીકરણ અભિયાન શરૂ
મૃતદેહોના કોરોનાની ગાઈડલાઈન અનુસાર અંતિમ નિકાલ કરવામાં આવી રહ્યા છે
હૃદયરોગ, કેન્સર, ડાયાબીટીસ સહિતની બિમારીઓ ધરાવતા દર્દીઓને જો કોરોનાનો ચેપ લાગે તો તેમના મૃત્યુની શક્યતા 70થી 80 ટકા જેટલી થઈ જાય છે. હાલનો જે સ્ટ્રેઈન છે, તે ફેફસામાં લોહી પુરી પાડતી નળીઓ બ્લોક કરી દે છે. જેને લઈને લોહી ગંઠાઈ જવાની સમસ્યા સર્જાતા દર્દીના મોત થઈ રહ્યા છે. આણંદ જિલ્લાના સ્મશાનગૃહમાં રોજ ચારથી-પાંચ જેટલા મૃતદેહોને કોરોનાની ગાઈડલાઈન અનુસાર અંતિમ નિકાલ કરવામાં આવી રહ્યો છે.
ફેબ્રુઆરી બાદ જ કોરોના વાઇરસનું સંક્રમણ વકર્યુ હતુ
આણંદ નગરપાલિકામાં નોંધાયેલા મૃત્યુના આંકડા ઉપર એક નજર કરીએ તો, જાન્યુઆરી મહિનામાં 162, ફેબ્રુઆરીમાં 122 અને માર્ચમાં 177 જેટલા મૃતકો સત્તાવાર રીતે ચોપડે નોંધાયા છે. ફેબ્રુઆરી બાદ જ કોરોના વાઇરસનું સંક્રમણ વકર્યુ હતુ અને તેને લઈને જ મોતનો આંકડો વધી રહ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિનામાં આ આંકડો એકલા આણંદ શહેરમાં 200ને પાર કરી જશે તેમ મનાઈ રહ્યું છે.