આણંદ: જિલ્લામાં લગભગ સવા મહિનાના વિરામ બાદ ત્રણ દિવસ અગાઉ મેઘરાજાએ પુન:પધરામણી કરી હતી. જેના કારણે ડાંગર સહિતના ખેતીના પાકને નવજીવન મળશે તેવો આનંદ ખેડૂતોમાં છવાયો હતો. વરસાદ વિના તાપ-બફારાથી પરેશાન શહેરીજનો-ગ્રામજનોએ પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાના કારણે ઠંડકનો અહેસાસ કર્યો હતો.
સરેરાશ 29 ઇંચ વરસાદ: હવામાન વિભાગના સર્વે અનુસાર છેલ્લા 30 વર્ષથી આણંદ જિલ્લામાં ચોમાસાની સીઝનમાં સરેરાશ કુલ 31 ઇંચ વરસાદ નોંધાઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં સુધીમાં કુલ સરેરાશ 29 ઇંચ વરસાદ નોંધાયો છે જેમાં હજી આખો ભાદરવો માસ બાકી હોવાની સાથે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી પણ છે. આ વર્ષે કદાચ 30 વર્ષના સરેરાશ કરતાં પણ વધુ વરસાદ જિલ્લામાં નોંધાશે તેવી અટકળો થઇ રહી છે. અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનમાં સૌથી વધુ 117.03 ટકા સરેરાશ વરસાદ સોજીત્રા તાલુકામાં અને સરેરાશ સૌથી ઓછો વરસાદ ખંભાત તાલુકામાં 78.04 ટકા નોંધાયો છે.
કડાણા ડેમની જળ સપાટીમાં ઘટાડો: આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની જીવાદોરી ગણાતા અને રાજ્યના સૌથી વધુ પાણી સંગ્રહ કરતા ત્રણ ડેમ પૈકીના કડાણા ડેમમાં હાલમાં સિંચાઇ માટે માત્ર સાત ફૂટ પાણી હોવાનું જાણવા મળે છે. ડેમમાં માત્ર પીવા માટેનું પાણી અનામત રાખવામાં આવશે. જોકે ડેમમાં પાણીની સપાટી નીચલા સ્તર નજીક હોવાથી આગામી સમયમાં તેને જિલ્લામાં પીવાનું અને સિંચાઈ માટેના પાણીની ચિંતાજનક સ્થિતિ સર્જાશેની ભીતિ પણ વ્યક્ત થઇ રહી છે.
ચિંતાજનક સ્થિતિ: આ વર્ષ અપૂરતા અને અનિયમિત વરસાદના કારણે અનેક વિસ્તારમાં ખેડૂતો સિંચાઇના પાણી વડે ખેતી પાક કરી રહ્યા છે. કડાણા ડેમમાં હાલ ઉપલબ્ધ 36 ટકા પાણીના જથ્થામાંથી ખેડાને દૈનિક 5 હજાર ક્યુસેક પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદ ન હોવા સહિતના કારણે ડેમમાં પાણીની આવક થઇ રહી નથી. જે ચિંતાજનક સ્થિતિનું સર્જન કરશે તેવી ભીતિ ઊભી કરી રહી છે.